Weather Forecast: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે આ તારીખથી માવઠાની કરી આગાહી
ભર ઉનાળે ફરી એકવાર રાજ્યમાં માવઠાનું સંકેત તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગે 2 દિવસ બાદ સુરત વલસાડ સહિત આ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
Weather Forecast:કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 13થી 15 એપ્રિલ વચ્ચે માવઠું વરસી શકે છે. 13 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 14 એપ્રિલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સહિત દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે.
દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સ્કાયમેટની આગાહી છે. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન 102 ટકા વરસાદ વરસવાનું સ્કાયમેટનું અનુમાન છે. લા નિનામાં ફેરવાઈ રહેલા અલનિનોને કારણે મોનસૂનની શરૂઆતમાં થોડો વિલંબ થઇ શકે છે.
સ્કાયમેટે જાહેર કર્યુ છે કે, દેશમાં મોનસૂનની સાથે સાથે લૂ ફુંકાવવાનો અનુમાન છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 10થી 20 દિવસ સુધી લૂ ફુંકાઈ શકે છે, ચોમાસામાં વિલંબ થવાના કારણે ચોમાસામાં પણ પણ થોડા દિવસ ગરમી સહન કરવી પડી શકે છે.
દુનિયામાં માર્ચ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો છે. પ્રથમવાર આખા વર્ષનું સરેરાશ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થતા રેકોર્ડ તૂટ્યો છે. કાર્બન ડાયોક્સાઈડ અને મિથેનનું પ્રમાણ ઝડપથી વધતા પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યભરમાં આકાશમાંથી અગનજ્વાળા વરસતા 5 શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે. કચ્છમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે.
કચ્છ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. 42.1 ડિગ્રી મહત્તમ તાપમાનમાં રાજકોટ પણ શેકાયું. તો ભૂજમાં 41.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે. કેશોદ,ભાવનગરમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
સતત બીજા દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. 40.8 ડિગ્રી તાપમાન પહોંચતા અમદાવાદ કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ હજુ પણ મહત્તમ તાપમાન વધવાની આગાહી કરી છે.
પૃથ્વીનું વૈશ્વિક સપાટીનું તાપમાન 1850-1900ની સરેરાશની સરખામણીમાં લગભગ 1.15 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું છે, જે 125,000 વર્ષ પહેલાં જોવા મળ્યું નથી. સમગ્ર વિશ્વમાં વિક્રમજનક દુષ્કાળ, જંગલની આગ અને પૂર પાછળનું કારણ આ ગરમી હોવાનું માનવામાં આવે છે. વૈશ્વિક સરેરાશ તાપમાનમાં વધારો એ વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનની ઝડપથી વધતી સાંદ્રતાને કારણે થાય છે.
C3Sના ડેપ્યુટી ડિરેક્ટર સમન્થા બર્ગેસે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સરેરાશ તાપમાન અત્યાર સુધીનું સૌથી વધુ નોંધાયેલું છે, જે છેલ્લા 12 મહિનામાં પૂર્વ ઔદ્યોગિક સ્તર કરતાં 1.58 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. " વધુ ગરમીને રોકવા માટે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઝડપી ઘટાડો જરૂરી છે." વૈશ્વિક સ્તરે, વર્ષ 2023 એ 174 વર્ષના અવલોકન કરેલા રેકોર્ડમાં સૌથી ગરમ વર્ષ હતું, જેમાં વૈશ્વિક સરેરાશ નજીકની સપાટીનું તાપમાન પૂર્વ ઔદ્યોગિક આધારરેખા (1850 1900) કરતાં 1.45 ડિગ્રી સેલ્સિયસ ઉપર હતું.