રાજ્યમાં હજુ બે દિવસ અતિભારે વરસાદની આગાહી, ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પડશે
હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસશે મૂશળધાર વરસાદ
હજુ પણ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આગામી બે દિવસ ધોધમાર વરસાદ વરસી શકે છે. જેમાં એક સિસ્ટમ પોરબંદર, સુરત થઈને જલગાંવ, મછીપટ્ટનમ થઈને બંગાળની ખાડી સુખી ચોમાસુ ટ્રોફ થઈ રહ્યું છે. તો બીજી સિસ્ટમ દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન જે દક્ષિણ-પશ્ચિમ તરફ એટલે કે સૌરાષ્ટ્ર તરફ ખસી રહ્યું છે. તો ત્રીજી સિસ્ટમ હવામના ચક્રાકાર ગતિથી દક્ષિણ ગુજરાત અને આસપાસના ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન પર હવાનું નીચુ દબાણ સર્જાયુ હોવાથી રાજ્યમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસશે મૂશળધાર વરસાદ. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસશે ધોધમાર વરસાદ.ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસશે ભારે વરસાદ.
અરવલ્લી મેઘમહેર
આ તરફ અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતો ગેલમાં આવી ગયા છે. અરવલ્લીના મુખ્ય મથક મોડાસા સહિત ભિલોડા અને ધનસુરા તાલુકામાં મેઘ મહેર થઇ છે. સારા વરસાદથી સ્થાનિક લોકોની સાથે ધરતીપુત્રોને રાહત મળી છે. લોકો ઈચ્છી રહ્યા છે કે ઈંદ્રદેવની કૃપા ચાલુ રહેવી જોઈએ. જેથી પાણીનું જે સંકટ ઘેરાયું હતું તે હળવું થાય.
સૌરાષ્ટ્રમાં વરસાદ
લાંબા વિરામ બાદ બુધવારે રાજ્યના 194થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે બુધવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જૂનાગઢના માંગરોળમાં તો 12 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં પણ સતત વરસાદ ચાલુ રહેતા બુધવારે સાંજના છ વાગ્યા સુધીમાં 36 કલાકમાં 19 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વાપીરમાં પણ 36 કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો તાલાલામાં સાડા છ ઈંચ, ઉના અને કેશોદમાં પાંચ પાંચ ઈંચ. તો વિસાવદરમાં પણ ધોધમાર પાંચ ઈચ જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. આ સિવાય ખંભાળીયા, કલ્યાણપુર, ગીર ગઢડા, વેરાવળ, ચોટીલા, અને ગોંડલ તાલુકામાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી હતી.
સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, સુરેંદ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લામાં પણ પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ સોરઠ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો હતો. જેમાં માંગરોળમાં 12 ઈંચ, ગડુ-માળીયામાં આઠ ઈંચ, તાલાલામાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે હાઈવે પર પાણી ભરાયા તો સ્થાનિક નદી-નાળામાં પણ નવા નીર આવ્યા હતા.