હવે પાણીની નહીં રહે કોઈ તકલીફ! રાજ્યના ૯૫ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક
રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૭૭.૪૭ ટકા જળસંગ્રહ
Gujarat Rain: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૦.૬૯ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ ૧૩૬.૦૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૭૨ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૭.૨૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૧.૬૭ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૪.૯૮ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૫૮,૭૯૭ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૭૭.૪૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૩.૨૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૯.૪૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૫.૦૬ ટકા, કચ્છ ઝોનના ૨૦ જળાશયોમાં ૬૫.૬૮ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૩.૮૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૪ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૩૧ જળાશયો મળી કુલ ૯૫ જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૫ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૪ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, સક્રિય ચોમાસાએ દેશભરમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. મુશળધાર વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવાર 14 ઓગસ્ટ અને મંગળવાર 15 ઓગસ્ટે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડશે. 14 ઓગસ્ટે દિલ્હીનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. આ સિવાય 16 ઓગસ્ટ બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાન સાફ રહેશે.
ઉત્તર પ્રદેશમાં પણ હળવો વરસાદ ચાલુ છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, 14 ઓગસ્ટ, સોમવારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, IMD અનુસાર, રાજ્યમાં આગામી બે દિવસ સુધી આવો જ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ માટે 14મીએ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.