Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડા અગાઉ વિનાશથી શરૂઆત, પોરબંદરના દરિયા કિનારે મંદિરની દિવાલ ધરાશાયી
બિપરજોય વાવાઝોડાની અસર પોરબંદરના દરિયા કિનારે જોવા મળી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
બિપરજોય વાવાઝોડાની અસર પોરબંદરના દરિયા કિનારે જોવા મળી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરના દરિયા કાંઠે આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરની દિવાલ ધરાશાયી થઈ છે. ભાવનગરના મહુવાના દરિયા કિનારે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. મહુવાના કતપર દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે. દરિયા કાંઠે દરિયાના મોજા ઉછળી રહ્યા છે. તેજ ગતિએ પવન સાથે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદી છાંટા પડી રહ્યા છે.
બીજી તરફ ભારે પવન સાથે જૂનાગઢના માંગરોળના દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા. અનેક ઠેકાણે કાચા છાપરા ઉડ્યા હતા. માંગરોળમાં કાચી દિવાલોને પણ નુકસાન થયું છે. જામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ છે. દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે પવનને લીધે દરિયાકાંઠે લોકોને ન જવાની સૂચના આપવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકાનો દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કાંઠાના અનેક નાના-કાચા મકાનોને નુકસાન પહોંચ્યું છે. કચ્છના કંડલા પોર્ટ પર તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. કંડલા પોર્ટ પરથી જહાજો ગલ્ફ ઑફ કચ્છ તરફ રવાના થયા હતા. વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ ખાલી કરાયું હતું.
સુરતના સુવાલીના દરિયા કિનારે પણ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. મોટા હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામા આવી છે. ચક્રવાતી તોફાન બિપરજોયે હવે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે. રવિવારે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયા બાદ તે ભારતીય તટ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં તેની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવા સહિત દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને કેરળમાં પણ દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે.
કચ્છ, દ્વારકા અને જામનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. ભારે પવન, વીજળી સાથે અતિ ભારે વરસાદ પડશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવનથી વૃક્ષો પડવાની શક્યતા હોવાથી પ્રભાવિત વિસ્તારના લોકોએ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે. આ સાથે જ 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.