(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain Update: નર્મદાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો
Gujarat Rain Update: નર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાંથી નર્મદા ડેમમાં સરેરાશ 5 લાખ ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થતા નર્મદા ડેમની જળસપાટી 135 મીટરે પહોંચી હતી. નર્મદા નદીએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
Gujarat Rain Update: નર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાંથી નર્મદા ડેમમાં સરેરાશ 5 લાખ ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થતા નર્મદા ડેમની જળસપાટી 135 મીટરે પહોંચી હતી. વધુ માત્રામાં પાણીની આવકને પગલે નર્મદા ડેમના 23 ગેટ ખોલીને નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું. ત્યારે નર્મદા નદીએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
તો બીજી તરફ આજે નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે અને હાલ 10 દરવાજા ખોલી નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ગરુડેશ્વર ખાતે બનેલ વિયર કમ કોઝવે ઓવર ફ્લો થઈ રહ્યો છે. નર્મદા નદીની જળ સપાટીનું લેવલ ઊંચું આવતા નર્મદા ડેમથી 12 કિલોમીટર દૂર ગરૂડેશ્વર ખાતે આવેલ વિયર કમ કોઝવે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલમાં વિયર ડેમ 4 મીટરથી ઓવરફ્લો થતા તેનો કુદરતી નજારો જોવા ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. જોકે આ વિયર ડેમ એટલે બનાવવામાં આવ્યો છે કે નર્મદા ડેમના વિજમથકમાંથી જે પાણી નદીમાં છોડવામાં આવે છે તે પાણી આ વિયર ડેમ ખાતે સંગ્રહ કરવામાં આવે અને તેને રિસાયકલ કરીને ફરી વિજમથક ચાલુ કરવા માટે વાપરવામાં આવે છે. આ વિયર ડેમ 18 મીટર પહોળો અને 14 મીટર ઊંચો બનવવામાં આવ્યો છે જે હાલ ઓવરફલો થઈ રહ્યો છે.
રાજ્યના 207 જળાશયોમાં 80% કરતા વધુ જળસંગ્રહ
ગુજરાતમાં આ વર્ષે મુશળધાર વરસાદ પડ્યો છે. જો કે, હજી પણ વરસાદે વિરામ લીધો નથી. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. તાજેતરના આંકડા પ્રમાણે રાજ્યના 207 જળાશયોમાં 80% કરતા વધુ જળસંગ્રહ થયો છે. 86 જળાશયો હાઇ એલર્ટ પર મુકાયેલા છે. 15 જળાશયો એલર્ટ પર મુકાયેલા છે. 85 જળાશયોમાં 90% કરતા વધુ જળસંગ્રહ થયો છે. 15 જળાશયોમાં 80-90% પાણી સંગ્રહ થયો છે જ્યારે 89 જળાશયોમાં 70% કરતા ઓછુ પાણી ભરાયું છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ડીસાના શેરપુરા ગામમાં રહેણાક મકાનોમાં પાણી ઘૂસી જતા ચીજ વસ્તુ સહિત ઘરવખરીને નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદે વિરામ લેતાની સાથે જ ડીસા તાલુકાના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. ડીસાના શેરપુરા ગામે 10થી 15 ઘરમાં પાણી ઘૂસી જતા તંત્ર પહેલા એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી. શેરપુરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે જોવા મળી રહ્યું છે, તો ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. ગોસ્વામી પરિવારના 10 જેટલા ઘર પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે તો બીજી તરફ પાણીમાં ઘરકાવ ઘર થતાં ઘરવખરી જાનમાલ અને ચીજ વસ્તુઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.