Gujarat Rain Live Updates: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, કીમના મહાદેવ મંદિરમાં ભરાયા પાણી
Gujarat Rain Live Updates: હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
LIVE

Background
Gujarat Rain Live Updates: બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે. ગુજરાતમાં ચોમાસું બેઠું ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શરૂઆતના 10 દિવસમાં જ રાજ્યમાં સીઝનનો 25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સતત વરસતા વરસાદના કારણે 11 ડેમો છલકાયા હતા. અન્ય 20 ડેમો 80થી 99 ટકા ભરાઈ જતા એલર્ટ પર છે. ઉપરાંત 11 ડેમોમાં 70 ટકાથી વધુ સંગ્રહ હોવાથી વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.
રાજ્યમાં 10 દિવસમાં જ સીઝનનો 25 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 26.27 તો મધ્ય ગુજરાતમાં 26.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો કુલ 25.24 ટકા તો કચ્છમાં 21.65 ટકા વરસાદ વરસી ચુક્યો છે. અષાઢ પહેલા જ સૌરાષ્ટ્રના 11 ડેમો છલકાયા હતા. 20 ડેમો 80થી 90 ટકા ભરાઈ જતા એલર્ટ પર મુકાયા હતા. છ ડેમોમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતા હાઈ એલર્ટ પર મુકાયા હતા.
પાટણ શહેર પાણી-પાણી
બે ઈંચ વરસાદમાં પાટણ શહેરમાં પાણી ભરાયા હતા. પદ્મનાથથી રામનગરને જોડતા રોડ પર પાણી ભરાયા હતા. પાંચ ગામને જોડતો રસ્તો જળમગ્ન થયો હતો. પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢના વિસાવદરમાં મૂશળધાર વરસાદ
જૂનાગઢના વિસાવદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. 4.13 ઈંચ વરસાદથી વિસાવદર પાણી પાણી થયું હતું. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારના માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા હતા.




















