વલસાડમાં દારૂ મહેફિલ માણતા PSI સહિત ત્રણ કોન્સ્ટેબલ ઝડપાયા, 26 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
વલસાડના અતુલના બંગલામાં ખુદ SPએ દરોડો પાડ્યો હતો. તો અહીં નાનાપોંઢાના PSI આર. જે. ગામીત જ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાયા હતા.
બોટાદઃ બોટાદ લઠ્ઠાકાંડને લઈ ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે તો બીજી તરફ વલસાડમાં દારૂની મહેફિલ માણતા PSI જ પકડાયા હતા. મળતી જાણકારી અનુસાર, વલસાડના SP રાજદીપસિંહ ઝાલાને એક બંગલામાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળી હતી. આ જાણકારીના આધારે વલસાડના અતુલના બંગલામાં ખુદ SPએ દરોડો પાડ્યો હતો. તો અહીં નાનાપોંઢાના PSI આર. જે. ગામીત જ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાયા હતા.
એટલું જ નહીં તેમની સાથે કમલેશ ભગોરા, નીતિન રાઠોડ અને જયેંદ્રસિંહ જેઠવા નામના 3 કોન્સ્ટેબલ પણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પીએસઆઇ ગામીત, ત્રણ કોન્સ્ટેબલ સહિત 19 શખ્સોએ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. સાથે જ વલસાડ SPએ 18 બોટલ દારૂ, 26 મોબાઈલ,5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. PSI ગામીત અને ત્રણેય કૉંસ્ટેબલને સસ્પેંડ પણ કરી દેવાયા છે. સુરત રેન્જ આઇજીએ સસ્પેન્શનના આદેશ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થયું છે. આ સાથે કેમિકલ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 42 પર પહોંચ્યો છે. બરવાળાના 45 વર્ષીય ગિરીશ વશરામ ભાઈનું સારવાર બાદ મૃત્યુ થયું છે. બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડ બાદ 95 અસરગ્રસ્તોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બરવાળા કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 42 પર પહોંચ્યો છે. હજુ પણ કેમિકલ લઠ્ઠાકાંડની અસરથી 60થી વધુ લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓની ધરપકડ કરી છે.
ખુશખબર, આગામી ICC Women’s World Cup 2025 ભારતમાં યોજાશે, 9 વર્ષ બાદ મળ્યો મોકો