આજે ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્કની પરીક્ષા, 1497 જગ્યા માટે 2.80 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આ વર્ષના અંતે લેવાઈ શકે છે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા.
ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal)ની કુલ એક હજાર 497 સિનિયર ક્લાર્કની જગ્યા માટેના હોદ્દા માટે કુલ એક હજાર 105 કેંદ્રો પર બે લાખ 80 હજાર 754 ઉમેદવારો પરીક્ષા આપશે. આજે એટલે કે 31 જુલાઈના રોજ રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, આણંદ અને સાબરકાંઠાના કુલ એક હજાર 105 સેંટરો પર ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે.
ગાંધીનગર જિલ્લાના 82 કેંદ્રો પર 19 હજાર 680 ઉમેદવારો પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદના 311 કેંદ્રો પર 77 હજાર 881 ઉમેદવારો પરીક્ષા આપશે.
આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયતાથી શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ અસામાજિક તત્વો એકઠાં થઇને પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુથી પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ સિવાય પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા
આ વર્ષના અંતે લેવાઈ શકે છે બિન સચિવાલય ક્લાર્ક (Bin Sachivalay Recruitment Exam)ની પરીક્ષા. આ વાત કહી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ. મહત્વનું છે કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં અગાઉ ગેરરીતિ થતાં યુવાનોએ ગાંધીનગરમાં આંદોલન છેડ્યું હતું. જેને લઈ રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરી દીધી હતી. એવામાં હવે 9 હજાર કરતાં પણ વધુ જગ્યા પર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ શકે છે. વર્ષના અંતમાં નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં આ પરિક્ષા લેવાઈ શકે છે. આ માટે રાજ્યભરની શાળાઓમાં પરીક્ષા યોજવા માટે ગૌણ સેવા પસંદગી મંડળે સર્વે શરૂ કર્યો છે.