(Source: ECI/ABP News/ABP Majha)
'આપ'ના ઈસુદાનને 'આપ' કહેનારા સુવાળાએ ભાજપમાં જોડાતાં જ કોને ગણાવી દીધા પિતા સમાન ? કહ્યું, હું તેમના દિલમાં વસુ છું....
વિજય સુવાળાએ કહ્યું હતું કે, મારી ત્રણ પેઢીથી ભાજપની વિચારણા સાથે જોડાયેલા છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો હું ફેન છે.
અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા એક મોટા ફટકામાં જાણીતા ગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.
ગાંધીનગરમાં કમલમ ખાતે વિજય સુંવાળાને પ્રવેશ આપતાં પાટીલે કહ્યું કે, રાત્રિનો ભૂલેલો દિવસે પરત ફર્યો છે અને આજે પોઝિટિવ માહોલ છે. પાટિલે કહ્યું કે, આજે વિજયભાઈની ઘરવાપસી થઈ છે. વિજયભાઈ ભ્રમમાં આવી ગયા હતા અને હવે ઘરે પાછા ફર્યા છે.
વિજય સુવાળાએ કહ્યું હતું કે, મારી ત્રણ પેઢીથી ભાજપની વિચારણા સાથે જોડાયેલા છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો હું ફેન છે.
રસપ્રદ વાત છે કે, આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને મિત્ર અને મોટા ભાઈ ગણાવનારા સુવાળાએ સી.આર. પાટિલને પિતા સમાન ગણાવ્યા હતા. વિજય સુવાળાએ કહ્યું હતું કે, સી. આર. પાટીલના દિલમાં હું વાસ કરું છું અને સી. આર. પાટીલ મને દીકરા તરીકે માને છે. ભાજપથી સારું સંગઠન કોઈ જગ્યાએ નથી તેથી હું ભાજપમાં જોડાયો છું.
સુવાળાએ આમ આદમી પાર્ટીમાંથી બે દિવસ પહેલાં રાજીનામું આપી દીધું હતું. 'આપ'માં જોડાયાના ચાર મહિનામાં જ ગાયક વિજય સુવાળાએ 'આપ'માંથી રાજીનામું આપી દીધું હતું અને હવે સુવાળા ભાજપમાં જોડાઈ ગયા છે.
'ભુવાજી' તરીકે જાણીતા વિજય સુવાળાએ 'આપ'માંથી રાજીનામું આપતાં ગુજરાતમાં 'આપ'ના નેતા દોડતા થઈ ગયા હતા. સુવાળાના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા પણ સુવાળા માન્યા નહોતા.
આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા લોકગાયક વિજય સુવાળા જૂન મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં 'આપ'માં જોડાયા બાદ વિજય સુવાળા અત્યંત સક્રિય હતા. ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમો યોજી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.