કોંગો ફીવરને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન બહાર પાડી, જાણો લક્ષણો, કારણો અને બચાવના ઉપાય
વાયરલ રોગના લક્ષણો, કારણો અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા.

Crimean Congo Hemorrhagic Fever guidelines: રાજ્યમાં ક્રીમિયન કોંગો હેમરેજિક ફીવર (CCHF) અંગે જનજાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ક્રીમિયન કોંગો હેમરેજિક ફીવર એક વાયરલ રોગ છે. મનુષ્યમાં વાયરસનો ફેલાવો ઇતરડીના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રક્ત કે અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. મોટા ભાગના ક્રીમિયન કોંગો હેમરેજિક ફીવરના કેસોમાં પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને પશુ ચિકિત્સકોને ચેપ લાગવાનો ભય હોય છે. વ્યક્તિ થી વ્યક્તિ સંક્રમણ ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી થાય છે. હોસ્પિટલમાં આ ચેપ તબીબી સાધનોનું અયોગ્ય સ્ટરીલાઈઝેશન, નીડલ અને દૂષિત તબીબી સાધનોના પુનઃઉપયોગના લીધે થઈ શકે છે. મનુષ્યમાં ચેપ લાગ્યા બાદ 1-3 દિવસમાં આ રોગના લક્ષણો જોવા મળે છે.
ક્રીમિયન કોંગો હેમરેજિક ફીવર (CCHF)ના લક્ષણો
તાવ
સ્નાયુનો દુખાવો
ચક્કર આવવા
ગરદનમાં દુખાવો અને પીઠ-માથાનો દુખાવો
ઝાડા-ઊલટી
નાક કે પેઢામાંથી લોહી નીકળવું
ક્રીમિયન કોંગો હેમરેજિક ફીવરને કેવી રીતે નિયંત્રિત કરી શકાય
ઈતરડીથી બચાવ: માનવમાં સંક્રમણ અટકાવવા માટે રક્ષણાત્મક કપડાં પહેરવાં, જેમ કે લાંબી સ્લીવ કે લાંબા ટ્રાઉઝર વગેરે. કપડા પર કે શરીર પર ઈતરડી દેખાય તો તેને સુરક્ષિત રીતે દૂર કરવી. પ્રાણીઓ પર અથવા તેના રહેઠાણ પર ઈતરડી ઉપદ્રવને દૂર કરવો અથવા નિયંત્રિત કરવો.
ચેપગ્રસ્ત વ્યક્તિથી દૂર રહેવું: ક્રીમિયન કોંગો હેમરેજિક ફીવર (CCHF)થી ચેપગ્રસ્ત દર્દી સાથે નજીકના શારીરિક સંપર્ક ટાળવો જોઈએ.
સુરક્ષાનાં પગલાં: બીમાર લોકોની કાળજી લેતી વખતે મોજાં અને રક્ષણાત્મક વસ્ત્રો પહેરવાં અને નિયમિત સાબુ વડે હાથ ધોવા જોઈએ.
જામનગરનો કેસ
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 50 વર્ષના પુરુષ ક્રીમિયન કોંગો હેમરેજિક ફીવર પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા સર્વેલન્સ તેમજ રોગ અટકાયતી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ કરી આ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓનું સર્વેલન્સ કરી તેમના પર ઈતરડીનાશક દવાનો છંટકાવ તેમજ આજુબાજુના ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મેડિકલ કોલેજના તજજ્ઞોની રેપીડ રિસ્પોન્સ ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવનાર છે.
રાજ્યમાં આ રોગનો છેલ્લો કેસ વર્ષ 2023માં સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો હતો. જ્યારે વર્ષ - 2024માં રાજ્યમાં એક પણ કેસ નોંધાયો નથી.
આ પણ વાંચો....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
