(Source: ECI/ABP News/ABP Majha)
આવતીકાલથી ગુજરાતમાં 1,025 સ્થળોએ શરૂ થશે વેક્સિનેશન મહાઅભિયાન
આવતીકાલથી ગુજરાતમાં 1,025 સ્થળોએ વેક્સિનેશન મહાઅભિયાની શરૂઆત થશે. આ ઉપરાંત ઝડપી રસીકરણ માટે કેન્દ્રો વધારીને 5,000 કરાયા છે. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે.
આવતીકાલથી ગુજરાતમાં 1,025 સ્થળોએ વેક્સિનેશન મહાઅભિયાની શરૂઆત થશે. આ ઉપરાંત ઝડપી રસીકરણ માટે કેન્દ્રો વધારીને 5,000 કરાયા છે. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે બધા સજાગ થાય અને દરેક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે.
રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9 વાગ્યે વેક્સિન ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૅક્સિન ઉત્સવમાં ભાગ લેશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વેક્સિનેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે ભારત સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.
તેમણે જણાવ્યું હતું કે, 21 જૂનથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે, આસાનીથી વેક્સિન ઉપલબ્ધ થાય એ માટે બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, તા. 20 મી જૂન સુધીમાં 2 કરોડ, 20 લાખ ડોઝ સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 44 થી વધુ વયના લોકોના વેક્સિનેશનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિનો વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને 30,75,163 વેક્સિન ડોઝ અપાયા છે.