Valsad: શહેરમાં હાર્ટ એટેકથી ખળભળાટ, એક કલાકમાં બે યુવાનો ઢળી પડ્યાં, જાણો ઘટના.....
રાજ્યમાં ફરી એકવાર હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે, વલસાડમાં આજે બે હાર્ટ એટેકની ઘટનાઓ ઘટી છે
Valsad Crime News: રાજ્યમાં ફરી એકવાર હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે, વલસાડમાં આજે બે હાર્ટ એટેકની ઘટનાઓ ઘટી છે, એક જ કલાકમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયાના સમાચારથી લોકોમાં ચિંતા પેઠી છે. શહેરમાં એક યુવાન વાત કરતાં કરતાં ઢળી પડ્યો હતો, તો વળી બીજો યુવાન રસ્તા પર ચાલતા ચાલતા મોતને ભેટ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, વલસાડ શહેરમાં ફરી એકવાર હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. શહેરમાં એક કલાકમાં બે હાર્ટ એટેકની ઘટનાથી લોકોમાં તર્ક વિતર્ક શરૂ થયા છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, વલસાડમાં એક કલાકમાં જ હાર્ટ અટેકથી બેના મોત થયા છે. વલસાડના તિથલ રૉડ પર વાત કરી રહેલા એક યુવકને હાર્ટ એટેક આવતા અચાનક ત્યાં જ મોતને ભેટ્યો હતો, આ ઘટનામાં 30 વર્ષીય જીમિત રાવલ નામનો યુવાન વાત કરતાં કરતાં અચાનક ઢળી પડ્યો હતો. હૉસ્પીટલ ખસેડતાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અગાઉ એક કલાક પહેલા શહેરના તિથલ રૉડ પર જ રસ્તે ચાલતા રાહદારીને આવ્યો હાર્ટ અટેક આવ્યો હતો. સેગવીના રાજેસિંઘે નામના વ્યક્તિને રસ્તે ચાલતી વળતે હાર્ટ એટેક આવ્યો અને તે ઢળી પડ્યો હતો. તિથલ રૉડ પર 500 મીટરના અંતરે હાર્ટ અટેકથી બે ના મોતથી ચકચાર મચી છે.
નથી અટકી રહ્યો હાર્ટ એટેકનો હાહાકાર, સુરતમાં 22 વર્ષીય યુવકનું મોત
રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે. આ દરમિયાન સુરતમાં હાર્ટએટકેનો વધુ એક બનાવ સામે આવ્યો છે.
સુરતના જહાંગીરપુરામાં 22 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. તેજસ રાઠોડ નામના યુવકને ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. જેથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે યુવકને સારવાર મળે તે પહેલા તબીબએ મૃતક જાહેર કર્યો હતો. યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી નહોતી. અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. જહાંગીરપુરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.
હાર્ટ એટેક શું છે
હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.
યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?
આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.