Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી છે, મેઘો મહેરબાન થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે
Valsad Rain: ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી છે, મેઘો મહેરબાન થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ મૉડમાં આવ્યુ છે અને તાલુકાની તમામ શાળામાં હાલ પૂરતી રજાઓ જાહેર કરવામાં આવી છે.
છેલ્લા બે ત્રણ દિવસથી વલસાડમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તંત્ર એક્શનમાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, વલસાડ તાલુકામાં તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. ડીડીઓએ હાલમાં એક લેટર જાહેર કરીને આ રજાઓ અંગે માહિતી આપી છે. ભારે વરસાદના કારણે શૈક્ષણિક સંસ્થાઓ - શાળામાં જતા બાળકોને હાલાકી ના પડે તે માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડના DDOએ ટ્વીટ કરીને શાળામાં રજા અંગે જાહેર કરી છે. ડીડીઓના અપડેટ પ્રમાણે, તાલુકામાં શાળા, કૉલેજ, ITI અને આંગણવાડીમાં આજે રજા રહેશે. ઉલ્લેખનીય છે કે, ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામમાં ભારે વરસાદની સ્થિતિ છે અને આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને પગલે અખબારનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે નાગરિકો માટે ફ્લેટની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. શહેરમાં ચારેકોર ગટરોના ગંદા પાણી ઉભરાયા હતા. બોપલ-આંબલી રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. ગટરના પાણી બેક મારતા માર્ગો પર પાણી ભરાયા હતા.
અઢી કલાકના વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાખી હતી. અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વેજલપુર, ઈસનપુર, શેલા, શીલજ, બોપલ, સોલા, ગોતા, ઘુમા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વૈષ્ણોદેવી સર્કલ પાસે સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. રાણીપ વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાયા હતા. અમદાવાદ-મહેસાણા હાઈવે પર ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા.
રાજ્યના 134 તાલુકામાં વરસાદ
રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સવારે છથી બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ઓલપાડમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે સુરતના અલગ અલગ વિસ્તારો જળમગ્ન થયા હતા. સુરતના અનેક રસ્તાઓ સુધી કમર સુધીના પાણી ભરાયા હતા. રાજદીપ સોસાયટીમાં મનપાની ટીમ કામે લાગી હતી. રાજદીપ સોસાયટી પાસેના વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. વેડરોડ પર JCBની મદદથી ગટરના ઢાંકણા ખોલાયા હતા.