Ambalal Patel Rain forecast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની વધુ એક આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે 5 નવેમ્બરે ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું થવાની શક્યતા છે.

ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે 5 નવેમ્બરે ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું થવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાનો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તેમણે કહ્યું કે, 8 નવેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપની અપેક્ષા છે. જેના કારણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. ઠંડા પવનો શિયાળાની વાવણી માટે ખૂબ અનુકૂળ છે. ખાસ કરીને ઘઉં અને જીરું જેવા પાક માટે. 5 નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 5 નવેમ્બર બાદ વાતાવરણમાં સુધારો થવાની શક્યતા છે. 8 નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. 15 નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 29-30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે, જ્યારે 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે. અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા 18થી 24 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે.
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે. જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.
તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે. હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.





















