કચ્છમાં પોલીસ જીપમાં ડાન્સ કરનારા 3 પોલીસોને માફ કરવા કઈ એક્ટ્રેસે કરી વિનંતી ? લશ્કરી જવાનોનો વીડિયો મૂક્યો
કચ્છના સસ્પેન્ડ કરાયેલા ત્રણ પોલીસની સજા પણ માફ કરવી જોઇએ તેવી ટીપ્પણી ગઇકાલે છત્તીસગઢના આઇપીએસ અને ટ્રાન્પોર્ટ કમિશ્નર દિપાંશુ કાબરાએ કરી હતી.
અમદાવાદઃ પૂર્વ કચ્છના પોલીસ વાનમાં જતાં જતાં મ્યુઝિકના તાલે નાચનારા ત્રણ પોલીસને સસ્પેન્ડ કરાયા છે. આ પોલીસોનો વીડિયો વાયરલ થયા બાદ પૂર્વ કચ્છના એસપીએ આ ત્રણેય પોલીસને સસ્પેન્ડ કરી દીધા હતા. એક્ટ્રેસ રવિના ટંડન આ પોલીસોની વહારે આવી છે.
પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને ગાંધીધામના આ ત્રણ પોલીસની સજા માફ કરાય તેવી ટ્વિટ કરી છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જૂના હિન્દી ગીત પર ડાન્સ કરી રહેલા એરફોર્સના જવાનોનો વિડીયો શેર કરી પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને ત્રણ પોલીસની સજા માફ કરાય તેવી ટીપ્પણી કરી છે.
કચ્છના સસ્પેન્ડ કરાયેલા ત્રણ પોલીસની સજા પણ માફ કરવી જોઇએ તેવી ટીપ્પણી ગઇકાલે છત્તીસગઢના આઇપીએસ અને ટ્રાન્પોર્ટ કમિશ્નર દિપાંશુ કાબરાએ કરી હતી. હવે બોલિવુડની પીઢ અભિનેત્રી રવિના ટંડને પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારી બાદ જૂનાં હિન્દી ગીતોના બેન્ડ પર ડાન્સ કરતાં એરફોર્સ જવાનોની એક વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી જણાવ્યું હતું કે, તેમને માફ કરી દો, એ પણ માણસ છે, જવાનો છે. ઈચ્છું છું કે કચ્છમાં સસ્પેન્ડ થયેલાં જવાનોને ફરી તેવું નહીં કરવાની સૂચના આપી જવા દેવાય.
રવિનાએ એમ પણ લખ્યું છે કે, આપણા જવાનોને પણ હળવા થવાની જરૂર પડતી હોય છે.
સોશિયલ મીડિયામાં ચાર પોલીસ કારમાં યુનિફોર્મમાં હોવા છતાં ગીત પર ઝૂમી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં કચ્છના ગાંધીધામના એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા જગદીશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરીને ગણવેશમાં હોવા છતાં સીટ બેલ્ટ બાંધ્યા નહોતા. આ ઉપરાંત સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા હતા. તેમણે સીટ બેલ્ટ ન બાંધી ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં પૂર્વ કચ્છ SP મયૂર પાટીલ દ્વારા તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા હતા.