શોધખોળ કરો
C. R. પાટીલે મુખ્યમંત્રી રૂપાણી સામે ક્યા મુદ્દે વ્યક્ત કરી નારાજગી ? મોદી-કેશુભાઈના વખતની કઈ પ્રથા ફરી શરૂ થશે ?
પાટીલે રૂપાણીને સરકારમાં ચાલતી કેટલીક બાબતો અંગે નારાજગી વ્યક્ત કરી હોવાના અહેવાલ છે.

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપમાં સાફસફાઈ અભિયાન હાથ ધર્યું છે.સાથે સાથે વિજય રૂપાણી સરકારને પણ કામ કરતી કરવાની ક્વાયત હાથ ધરી હોવાના અહેવાલ છે. આ ક્વાયતના ભાગરૂપે પાટીલે મંગળવારે મુખ્યમંત્રી રૂપાણી સાથે ચર્ચા કરી હતી. પાટીલે રૂપાણીને સરકારમાં ચાલતી કેટલીક બાબતો અંગે નારાજગી વ્યક્ત કરી હોવાના અહેવાલ છે. આ ઉપરાંત મંત્રીઓની કામગીરીને લઇને પણ તેમણે કેટલીક બાબતોની ટીકા કરી હતી. પાટીલે રૂપાણીને હવેથી નિયમિત દર મંગળવારે સંગઠનના નેતાઓ સાથે બેઠક યોજવા જણાવ્યું છે કે જેથી બંને વચ્ચે સંકલન જળવાય. પાટીલના આ આદેશ બાદ હવે સરકાર અને સંગઠનના પ્રતિનિધીઓ દર મંગળવારે મળતા થશે. મંગળવારે યોજાતી બેઠક 1 વર્ષથી બંધ છે. આ પહેલાં કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રથા નિયમિત ચાલતી હતી. વિજય રૂપાણીએ પણ આ પ્રથા જાળવી હતી, પરંતુ છેલ્લા એકાદ વર્ષથી આ મીટિંગ નિયમિત મળવાને બદલે અમુક અંતરે મળે છે. પાટીલે ભાજપમાં સાફસૂફી કરવા માટે ચિંતન બેઠક યોજવાનું પણ નક્કી કર્યું છે. ભાજપમાં મોટા પાયે સાફસફાઇ આ ચિંતન બેઠક થકી કરવામાં આવશે એવા અહેવાલ છે. ભાજપ પ્રદેશ સંગઠનના નવા માળખાની જાહેરાત બાદ આ બેઠક યોજાશે. નવી ટીમ સાથે પાટીલ નવા નિયમોની યાદી જારી કરશે.
વધુ વાંચો





















