શોધખોળ કરો
પાકિસ્તાની પ્રેમિકાને મળવા જતા મહારાષ્ટ્રના યુવકને કચ્છ સરહદ પરથી BSFએ ઝડપી પાડ્યો
સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની કરાચીની કથિત યુવતીના પ્રેમમાં પાગલ બનેલા યુવકે પ્રેમીકાને મળવા કચ્છના રણ તરફનો માર્ગ પસંદ કર્યો અને પાકિસ્તાન જવા નીકળ્યો હતો.
અમદાવાદ: અભિષેકે બચ્ચન ફિલ્મ "રેફ્યુજી" માં પ્રેમી તરીકે જે રીતે સરહદ પાર કરે છે એવો કિસ્સો રિયલ લાઈફ માં ઘટ્યો છે, પોતાની પાકિસ્તાની પ્રેમિકાને મળવા હિન્દુસ્તાનના એક યુવાને કચ્છના સીમાડાઓ ખુંદવા માંડ્યા પણ બંનેનું મિલન થઇ ન શક્યું. મહારાષ્ટ્રનો એક યુવક પોતાની પાકિસ્તાની પ્રેમિકાને મળવા માટે સીધો પાકિસ્તાનની બોર્ડર પર પહોંચી ગયો હતો. જ્યાં કચ્છની સરહદેથી બીએસએફએ તેને ઝડપી પાડ્યો હતો.
સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની કરાચીની કથિત યુવતીના પ્રેમમાં પાગલ બનેલા ભારતીય પ્રેમીએ કોઈ પણ કાળે કથિત પ્રેમિકાને મળવા જવાનો નિર્ણય કર્યો હતો. યુવાને પ્રેમીકાને મળવા કચ્છના રણ તરફનો માર્ગ પસંદ કર્યો અને પગપાળા જ નીકળી પડ્યો માસુકાના ઘર તરફના રસ્તે, પરતું કચ્છના સીમાડા પર તૈનાત ભારતીય સુરક્ષા એજન્સી બીએસએફને યુવાનની હલચલની જાણ થઇ ગઈ અને તેને સિમાડામાંથી આંતરી લીધો. બીએસએફની ટીમે પરત લઇ આવી આ યુવાનની પૂછપરછ કરી ત્યારે ગજબની પ્રેમ કહાની સામે આવી હતી.
મહારાષ્ટ્રના ઓસ્માનાબાદ પોલીસ મથકે 11 જૂલાઈ 2020ના રોજ નોંધાયેલી એક યુવકની ગુમ નોંધના આધારે સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઓસ્માનાબાદ સીટી પોલીસ મથકે સિદ્દીકી મોહમ્મદ ઝીશાનુદ્દિન મોહમ્મદ સલિમુદ્દીન નામના યુવકની ગુમ થયાની ફરિયાદ તેના સ્વજનોએ નોંધાવી હતી. ઝીશાન એન્જિનિયરીંગનો સ્ટૂડન્ટ છે. પોલીસે ઝીશાનના મોબાઈલની કૉલ ડીટેઈલ અને લોકેશન ટ્રેસ કર્યાં તો ચોંકી ઉઠી. કારણ કે, તેના ફોનમાં અવારનવાર કલાકો સુધી ઈનકમીંગ-આઉટ કમીંગ માં પાકિસ્તાની નંબર પર વાતચીત થતી હતી.
પોલીસે તપાસ કરતા તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ ચેક કર્યાં તો એક પાકિસ્તાની યુવતી સાથેની ચેટની વિગતો સાંપડી હતી. મહારાષ્ટ્ર પોલીસ સમજી ગઈ હતી કે યુવક પાકિસ્તાનની કોઈ યુવતીના પ્રેમમાં છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે બહાર આવ્યું કે ઝીશાન હાલ કચ્છની બોર્ડર આસપાસ છે. અને તે તેની કથિત પ્રેમિકાને મળવા ભારત સીમા પાર કરી પાકિસ્તાન જવાની ફિરાકમાં છે, મહારાષ્ટ્ર પોલીસે તુરંત કચ્છ પોલીસનો સંપર્ક કરી બધી વિગતો જણાવતા કચ્છ પોલીસે આ પાગલ પ્રેમીને કોઈપણ ભોગે પાકિસ્તાન જતો અટકાવી પકડી પાડવા રણ સરહદે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું. બોર્ડર સિક્યોરીટી ફોર્સને પણ એલર્ટ કરાઈ હતી.
પૂર્વ કચ્છ પોલીસે રાપરના અંતરિયાળ ખડીર વિસ્તારમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ યુવક બે એક દિવસથી બાઈક લઈને ફરતો હતો. છેવટે તે પાકિસ્તાન તરફ ગયો હતો. પોલીસે રણમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં એક સ્થળેથી કાદવમાં ફસાયેલું બાઈક મળી આવ્યું હતું. કાદવમાં યુવકના પગલાં પાકિસ્તાન તરફ આગળ જતાં જોવા મળ્યાં હતા. વરસાદના કારણે રણમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હોઈ બાઈક ફસાઈ ગયું હતું. જેથી યુવક પગપાળા જ પાકિસ્તાન તરફ નીકળ્યો હતો.અફાટ રણમાં પ્રેમિકાને મળવા નીકળેલો યુવક રસ્તો ભટકી ગયો હતો. તે ખડીરથી પાકિસ્તાન જવાના બદલે ભારતીય સીમામાં ખાવડા નજીક કાઢવાંઢ પાસે શેરગિલ પોસ્ટ પાસે પિલર નંબર 1055 પાસે પગપાળા આવી ગયો હતો. આ વિસ્તાર સામાન્ય નાગરિકોની અરજવર માટે પ્રતિબંધિત છે. ત્યાં હાજર બીએસએફ જવાનોએ યુવકને ઝડપી પાડી પૂછતાછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બીએસએફ દ્વારા ઝીશાન પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઝીશાન પ્રેમિકાના બદલે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની હની ટ્રેપનો પણ શિકાર બન્યો હોઈ શકે છે. વધુ વિગતો પોલીસની પૂછતાછમાં સ્પષ્ટ થશે. કચ્છ પોલીસે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરતાં મહારાષ્ટ્ર પોલીસ ઝીશાનનો કબ્જો લેવા કચ્છ આવવા રવાના થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement