Surat Crime: સિગારેટ પીવા બાબતે તકરાર બાદ યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
માત્ર સિગારેટ પીવા બાબતે થયેલ સામાન્ય બોલાચાલ બાદ યુવકની હત્યા કેસમાં અડાજણ પોલીસે બે અને સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મળી કુલ ત્રણ હત્યારઓની ધરપકડ કરી છે.
સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં ચાઇનીઝનું પાર્સલ આપવા માટે ગયેલા બે મિત્રો પર ત્રણ જેટલા શખ્સોએ સિગારેટ પીવા બાબતે થયેલ તકરારમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી એક મિત્રને મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી ગઇ છે. માત્ર સિગારેટ પીવા બાબતે થયેલ સામાન્ય બોલાચાલ બાદ યુવકની હત્યા કેસમાં અડાજણ પોલીસે બે અને સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મળી કુલ ત્રણ હત્યારઓની ધરપકડ કરી છે. આગળની તપાસ અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સિગારેટ પીવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો
સુરતના અડાજણ સ્થિત શુભ લક્ષ્મી હાઈટ્સની પાસે આવેલા મહાદેવનગર કોલોની નજીક બીજી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમય દરમિયાન જીતુ કાલીયા પ્રધાન નામના યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. અડાજણ પોલીસ મથકના એસીપી બી.એમ.ચૌધરીના જણાવ્યા અનુસાર, બીજી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે જીતુ કાલીયા પ્રધાન અને તેનો મિત્ર સુનિલ વસાવા ચાઈનીઝનું પાર્સલ લઇ વિશાલ વસાવાને આપવા માટે ગયા હતા. જે દરમિયાન વિશાલ વસાવા અને જીતુ કાલીયા પ્રધાન સિગારેટ પીવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો.
ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો
આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જીતુ કાલીયા પ્રધાન પર આરોપી વિશાલ વસાવા અને તેની સાથેના મિત્રો વિકાસ દિનેશ નાયકા, યસ ઉર્ફે ગોટુ મુકેશ જાદવે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ દ્વારા જીતુ કાલીયા પ્રધાન અને તેના મિત્ર સુનિલ વસાવા પર ચપ્પુ વડે હુમલો કરતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જીવલેણ હુમલાની આ ઘટના બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં વિશાલ વસાવાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે અડાજણ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરુણ મોત
આ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત જીતુ કાલીયા પ્રધાનનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરુણ મોત નિપજ્યું હતું. આ મામલે અડાજણ પોલીસે હત્યા ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા. અડાજણ પોલીસ ચોપડે નોંધાયેલા હત્યા કેસમાં સામેલ આરોપી વિશાલ જગદીશ વસાવા અને વિકાસ દિનેશ નાયકાની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ આ ઘટનામાં વિશાલ જગદીશ વસાવાને પણ ગંભીર ઇજાઓ થવાના કારણે હુમલાખોર સુનીલ સંજય વસાવા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગે પણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ સુરતના આડાજણ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં માત્ર સિગારેટ પીવા બાબતે યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જેમાં હત્યા કરનારા આરોપીઓની માનસિકતા કેટલી ગુનાખોરીભરી છે તેનો અંદાજ લગાવી શકાય છે. એટલું જ નહીં પરંતુ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વકની તપાસ અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તો આ ઘટનામાં ત્રીજા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.