Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપેટ, વિલુપ્પુરમ, કલ્લાકુરિચી, કુડ્ડલોર જિલ્લાઓ અને પુડુચેરીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Fengal Cyclone: ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે (29 નવેમ્બર 2024) ના રોજ માહિતી આપી હતી કે, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં રચાયેલ ડીપ ડિપ્રેશન શુક્રવારે બપોરે ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કર્યું છે. આ વાવાઝોડાને 'ફેંગલ' નામ આપવામાં આવ્યું છે. આ તોફાન 30 નવેમ્બરના રોજ બપોરના સુમારે પુડુચેરી નજીક લેન્ડફોલ કરી શકે છે, પવનની ઝડપ પ્રતિ કલાક 90 કિમી સુધી પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતનું કેન્દ્ર હાલમાં ત્રિંકોમાલીથી લગભગ 330 કિમી ઉત્તર-પૂર્વમાં, નાગાપટ્ટિનમથી 240 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, પુડુચેરીના 230 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 240 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે.
IMDએ જણાવ્યું હતું કે, "આ વાવાઝોડું પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને 30 નવેમ્બરે બપોરના સમયે ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરી કિનારાની વચ્ચે કરાઈકલ અને મહાબલીપુરમ નજીક લેન્ડફોલ કરશે. આ સાથે પવનની ગતિ 60-70 કિમી પ્રતિ કલાકની રહેશે અને "કેટલીકવાર તે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે."
અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની ચેતાવણી
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપેટ, વિલુપ્પુરમ, કલ્લાકુરિચી, કુડ્ડાલોર જિલ્લાઓ અને પુડુચેરીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાનીપેટ, તિરુવન્નામલાઈ, વેલ્લોર, પેરામ્બલુર, અરિયાલુર, તંજાવુર, તિરુવરુર, માયલાદુથુરાઈ, નાગપટ્ટિનમ જિલ્લાઓ અને કરાઈકલ પ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નકારી શકાય..
પુડુચેરીમાં શાળા-કોલેજની રજા જાહેર
પુડુચેરી સરકારે જાહેરાત કરી છે કે, 29 અને 30 નવેમ્બરે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. હવામાન વિભાગે દરિયામાં તોફાન વધવાની ચેતાવણી જાહેર કરી છે અને માછીમારોને દરિયામાં જવાનું ટાળવાની સલાહ આપી છે.
દરિયાકાંઠાના સત્તાવાળાઓને લેન્ડફોલ નજીક સલામતીનાં પગલાં અંગે ઉચ્ચ તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે. ઈસ્ટર્ન નેવલ કમાન્ડે તમિલનાડુ અને પુડુચેરી નેવલ એરિયા હેડક્વાર્ટરના સહયોગથી ચક્રવાતની સંભવિત અસરોને ઘટાડવા માટે ડિઝાસ્ટર રિસ્પોન્સ મિકેનિઝમને સક્રિય કરી છે. અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
