Agnipath Scheme: ભારત સરકારની સૈન્ય ભરતી યોજના 'અગ્નિપથ'થી નેપાળમાં વિરોધ કેમ? જાણો સમગ્ર મુદ્દો
આ વર્ષે કેન્દ્ર સરકારે ભારતીય સેનામાં સૈનિકો માટે નવી ભરતી યોજના અગ્નિપથ શરૂ કરી છે. હવે નેપાળ સરકાર આ યોજના દ્વારા કરવામાં આવી રહેલી સૈનિકોની ભરતીના પ્રતિસાદને લઈને મૂંઝવણમાં છે.
Agnipath Scheme: આ વર્ષે કેન્દ્ર સરકારે ભારતીય સેનામાં સૈનિકો માટે નવી ભરતી યોજના અગ્નિપથ શરૂ કરી છે. હવે નેપાળ સરકાર આ યોજના દ્વારા કરવામાં આવી રહેલી સૈનિકોની ભરતીના પ્રતિસાદને લઈને મૂંઝવણમાં છે. ભારતના પાડોશી દેશમાં નવેમ્બર 2022ના અંતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ચૂંટણી પહેલાં અગ્નિપથનો મુદ્દો વર્તમાન પીએમ શેર બહાદુર દેઉબાની સરકાર માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે. હાલમાં સરકાર એવું કોઈ પગલું ભરવા માંગતી નથી જેનાથી પાર્ટીને કોઈપણ પ્રકારનું નુકસાન થાય.
બીજી તરફ નેપાળના વિરોધ પક્ષોએ ચાર વર્ષ માટે સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી 'અગ્નિપથ' યોજનાને લઈને પીએમ શેર બહાદુર દેઉબાની સરકાર પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં લાવવામાં આવેલી આ યોજનાનો વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. ત્યાં પણ આ જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિરોધ કરનારાઓ કહે છે કે આ યુવાનો ચાર વર્ષ પછી શું કરશે?
નેપાળમાં વિરોધનું આ છે કારણઃ
હકીકતમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભારતીય સેનામાં લાંબા સમયથી ગોરખા સૈનિકોની ભરતી કરવામાં આવી રહી છે અને ગોરખા સૈનિકોની પણ અગ્નિપથ યોજના હેઠળ ભરતી કરવામાં આવશે. નેપાળના ગોરખા યુવાનોને ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ જ ભરતી કરવામાં આવશે. પરંતુ નેપાળ સરકાર આ અગ્નિપથ યોજનાથી સંતુષ્ટ નથી. આવી સ્થિતિમાં નેપાળે કેન્દ્ર સરકારને ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની ભરતી પહેલાં તેમની સાથે વાત કરવા કહ્યું હતું.
નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ ઓગસ્ટમાં વિદેશ મંત્રી નારાયણ ખડકા અને તેમના વિદેશ બાબતોના સલાહકાર સાથે પણ આ યોજના અંગે બેઠક યોજી હતી. આ મુદ્દે નેપાળના વિદેશ મંત્રી અને ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવ સાથે પણ મુલાકાત થઈ છે.
અગ્નિપથ યોજનાથી શું ત્રિપક્ષીય સંધિનું ઉલ્લંઘન થઈ રહ્યું છે?
ભારતમાં અગ્નિપથ યોજનાના અમલને લઈને નેપાળના વિરોધ પક્ષો દેઉબા સરકારને ઘેરી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારમાં વિદેશ મંત્રી રહેલા પ્રદીપ ગ્યાવાલીએ બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અગ્નિપથ યોજના 1947ની ત્રિપક્ષીય સંધિનું ઉલ્લંઘન છે.
તેમણે કહ્યું કે ભારત સરકાર દેશની અંદર સેનામાં ભરતીના નિયમોને લઈને કોઈપણ ફેરફાર કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે, પરંતુ અમે અગ્નિપથના વર્તમાન સ્વરૂપને સ્વીકારીશું નહીં. તેમણે કહ્યું કે ગોરખા સૈનિકોની ભરતીની પ્રક્રિયા વર્ષ 1947થી શરૂ કરવામાં આવી હતી અને આ જ પ્રક્રિયાને 75 વર્ષથી અનુસરવામાં આવી રહી છે. તે નિયમમાં અચાનક ફેરફાર ત્રિપક્ષીય સંધિનું ઉલ્લંઘન છે. નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઈડ માર્ક્સવાદી-લેનિનવાદી) તેને સ્વીકારશે નહીં.