Operation Sindoor: ઓપરેશન સિંદૂર વચ્ચે પાકિસ્તાનને ઓવૈસીનો સણસણતો જવાબ, ‘ભારતમાં 23 કરોડ મુસલમાનો રહે છે અને...’
યુદ્ધવિરામના ભંગ અને 'ઓપરેશન સિંદૂર'ના માહોલ વચ્ચે AIMIM પ્રમુખનું નિવેદન, કહ્યું - 'અમારા પૂર્વજોએ ઝીણાના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતને નકારી કાઢ્યો હતો'.

Asaduddin Owaisi on Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા તેનો ભંગ કરવામાં આવતા સરહદ પર તણાવનો માહોલ યથાવત છે. આ ઘટનાક્રમ અને 'ઓપરેશન સિંદૂર' (ભારતીય સેનાની કાર્યવાહીનું નામ) વચ્ચે AIMIM (ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમિન) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન અંગે મોટું અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. ઓવૈસીએ ભારપૂર્વક કહ્યું કે ભારત અમારો દેશ છે અને અમે પાકિસ્તાનને નફરત કરીએ છીએ.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "પાકિસ્તાન વારંવાર ભૂલી જાય છે કે ભારતમાં ૨૩ કરોડથી વધુ મુસ્લિમો રહે છે. આપણા પૂર્વજોએ બે રાષ્ટ્ર સિદ્ધાંતને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો. આપણે ઝીણાના બે રાષ્ટ્ર સિદ્ધાંતને નકારી કાઢ્યો છે, આપણે તેને નફરત કરીએ છીએ અને આપણે ભારતને આપણો દેશ માનીએ છીએ અને આપણે હંમેશા અહીં રહીશું."
પાકિસ્તાનનો અસલી ઈરાદો
ઓવૈસીએ પાકિસ્તાનના વાસ્તવિક ઈરાદાઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે, "પાકિસ્તાનનો વાસ્તવિક હેતુ ધર્મના આધારે ભારતને વિભાજીત કરવાનો છે. પાકિસ્તાન ફક્ત મુસ્લિમો, હિન્દુઓ અને ભારતના અન્ય સમુદાયો વચ્ચે તણાવ અને નફરત પેદા કરવા માંગે છે."
તેમણે પાકિસ્તાનની બેવડી નીતિ પર પણ પ્રશ્નાર્થ ઉઠાવ્યો. ઓવૈસીએ કહ્યું, "જ્યારે પાકિસ્તાન દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત વિશે વાત કરે છે, ત્યારે શા માટે આ પ્રશ્ન ઊભો થતો નથી કે તે અફઘાનિસ્તાનની સરહદી ચોકીઓ પર હુમલો કેમ કરે છે અથવા તે ઈરાનની સરહદી ચોકીઓ પર બોમ્બમારો કેમ કરી રહ્યું છે? શું અફઘાન અને ઈરાની મુસ્લિમ નથી? તો પછી પાકિસ્તાન તેમની સામે હિંસા કેમ કરી રહ્યું છે?" તેમણે આનું કારણ પાકિસ્તાનના "ડીપ સ્ટેટ" ને ગણાવ્યું, જે ફક્ત ઇસ્લામનો માસ્ક પહેરીને તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આતંકવાદને સમર્થન છુપાવવાનો પ્રયાસ કરે છે.
૭૫ વર્ષથી ફક્ત નફરત ફેલાવી છે
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, "પાકિસ્તાન છેલ્લા ૭૫ વર્ષથી ભારત વિરુદ્ધ આવું કરી રહ્યું છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદી હુમલાઓ કરવાનો, નફરત ફેલાવવાનો અને ભારતની એકતા અને અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આપણે ભારતીય મુસ્લિમો એકતામાં છીએ અને હંમેશા રહીશું." આ નિવેદન ભારતીય મુસ્લિમોની દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પાકિસ્તાનના ભાગલાવાદી એજન્ડાને નકારવાની સ્પષ્ટતા દર્શાવે છે.





















