ઉત્તરપ્રદેશ: ટોયલેટમાંથી મળી આવી 40 છોકરીઓ, ગેરકાયદેસર મદરેસામાં રેડ પડતા પોલીસ પણ દંગ
પયાગપુર તહસીલના પહેલવાડા ગામમાં સ્થિત ત્રણ માળની મદરેસાની તપાસ દરમિયાન વહીવટી ટીમને શૌચાલયમાં છુપાયેલી 40 સગીર છોકરીઓ મળી આવી.

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં ગેરકાયદેસર મદરેસાના સંચાલન અંગે એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પયાગપુર તહસીલના પહેલવાડા ગામમાં સ્થિત ત્રણ માળની મદરેસાની તપાસ દરમિયાન વહીવટી ટીમને શૌચાલયમાં છુપાયેલી 40 સગીર છોકરીઓ મળી આવી હતી. છોકરીઓ 9 થી 14 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.
શૌચાલયમાં 40 છોકરીઓ બંધ હાલતમાં મળી આવી
એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, એસડીએમ અશ્વિની કુમાર પાંડેએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદેસર મદરેસાઓ કાર્યરત હોવાની વારંવાર ફરિયાદો મળી રહી છે. બુધવારે જ્યારે ટીમે પોલીસ દળ સાથે ઇમારત પર દરોડો પાડ્યો ત્યારે મદરેસાના સંચાલકોએ તેમને ઉપરના માળે જતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મહિલા પોલીસ અધિકારીઓની હાજરીમાં છતના શૌચાલયનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે એક પછી એક 40 ગભરાયેલી છોકરીઓ બહાર આવી હતી.
આ તપાસ દરમિયાન, મેનેજર અને શિક્ષકો પાસેથી નોંધણી દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા, પરંતુ કોઈ રજૂ કરવામાં આવ્યા ન હતા. જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારી મોહમ્મદ ખાલિદે જણાવ્યું હતું કે સ્થાનિકોએ તેમને જાણ કરી હતી કે મદરેસામાં લગભગ ત્રણ વર્ષથી કામગીરી ચાલી રહી છે પરંતુ નોંધણી કરવામાં આવી નથી. 2023ના સર્વે રિપોર્ટમાં જિલ્લામાં 495 ગેરકાયદેસર મદરેસા ઓળખાયા હતા, પરંતુ આ મદરેસાને તે સર્વેમાંથી બાકાત રાખવામાં આવ્યું હતો.
ગેરકાયદેસર મદરેસા બંધ કરવાનો આદેશ
આઠ રૂમ હોવા છતાં વિદ્યાર્થીઓ શૌચાલયમાં કેમ છુપાયા હતા તે અંગે પૂછવામાં આવતા શિક્ષિકા તકસીમ ફાતિમાએ સમજાવ્યું કે દરોડા દરમિયાન વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા અને પોતાને શૌચાલયમાં બંધ કરી દીધા હતા. હાલમાં, વહીવટીતંત્રે સંસ્થા બંધ કરવાનો આદેશ આપ્યો છે, અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
ખાલિદે જણાવ્યું કે મદરેસાના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. અધિક પોલીસ અધિક્ષક (શહેર) રામાનંદ પ્રસાદ કુશવાહાએ જણાવ્યું કે આ કેસમાં હજુ સુધી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. જો પરિવાર SDM અથવા લઘુમતી કલ્યાણ અધિકારી ફરિયાદ નોંધાવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફંડીંગ ક્યાંથી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે
મદરેસાના ફંડીંગ સ્ત્રોતની પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે એવી શંકા છે કે આ મદરેસાને નોંધપાત્ર મોટુ ભંડોળ મળી રહ્યું છે. સીએમ યોગીના નિર્દેશો બાદ, ભારત-નેપાળ સરહદ પરના જિલ્લાઓ ગેરકાયદેસર મદરેસાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પયાગપુરમાં ગેરકાયદેસર રીતે કાર્યરત આ મદરેસા સામે કાર્યવાહી કેટલી વ્યાપક હશે તે જોવાનું બાકી છે.




















