Bihar : મહાગઠબંધમાં ઉભી ફાડ? ધૂળેટી બાદ બિહારમાં ખેલાશે રાજકીય 'હોળી"?
તો જેડીયુના એક ધારાસભ્યએ આરજેડીના વિજય મંડલને જવાબ આપ્યો હતો. જેડીયુ પ્રમુખ લલન સિંહે આ મામલે સ્પષ્ટ કહ્યું છે કે, બિહારમાં હજુ વિધાનસભા ચૂંટણી નથી.
RJD and JDU MLA : બિહારમાં મહાગઠબંધનમાં ઓલ ઈઝ નોટ વેલના સંકેતો મળી રહ્યાં છે. આરજેડી અને જેડીયુ વચ્ચેનો વિવાદ ધીમે ધીમે સપાટી પર આવવા લાગ્યો છે. હવે ફરી એકવાર્સ રાજ્યના મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ તેજ થઈ ગઈ છે. આરજેડી ધારાસભ્ય વિજય મંડલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, હોળી પછી તેજસ્વી યાદવ બિહારના સીએમ બનશે. નીતિશ કુમાર પોતે જ તેમને સત્તા સોંપશે.
તો જેડીયુના એક ધારાસભ્યએ આરજેડીના વિજય મંડલને જવાબ આપ્યો હતો. જેડીયુ પ્રમુખ લલન સિંહે આ મામલે સ્પષ્ટ કહ્યું છે કે, બિહારમાં હજુ વિધાનસભા ચૂંટણી નથી. એટલા માટે હવે આ નિર્ણય લઈ શકાય તેમ નથી. આ નિર્ણય 2025માં જ લેવામાં આવશે.
તેજસ્વી યાદવના નેતૃત્વ અંગે જેડીયુ પ્રમુખ લલન સિંહે કહ્યું હતું કે, મારા અને નીતિશજીના નિવેદનમાં કોઈ વિરોધાભાસ નથી. નીતિશજીએ કહ્યું છે કે, 2025માં તેજસ્વીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. મતલબ કે ચૂંટણી કોઈપણના નેતૃત્વમાં લડી શકાય છે. પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તેની પસંદગી તો ધારાસભ્યો જ કરે છે.
લલન સિંહે વધુમાં કહ્યું હતું કે, બિહારમાં હજુ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની નથી. એટલા માટે હવે આ નિર્ણય લઈ શકાય તેમ નથી. આ નિર્ણય 2025માં જ લેવામાં આવશે.
જ્યારે લાલન સિંહને પૂછવામાં આવ્યું કે, શું તેજસ્વી 2025માં બિહારના સીએમ બનશે? જેના પર જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, 2025 આવવામાં હજુ સમય છે. જ્યારે લાલન સિંહને પૂછવામાં આવ્યું કે, 2025માં મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે તેમણે કહ્યું કે, 2025માં મહાગઠબંધનનું નેતૃત્વ કોના હાથમાં રહેશે તે એ સમયે જોવા મળશે. અમે ક્યારેય નથી કહ્યું કે તેજસ્વી મુખ્યમંત્રી બનશે.
નીતીશ કુમારે હાલમાં જ વિધાનમંડળની બેઠકમાં કહ્યું હતું કે, 2025માં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ મહાગઠબંધનનું નેતૃત્વ કરશે. તેમણે મહાગઠબંધનને આગળ લઈ જવાનું છે. આરજેડી પાસે 80 અને નીતીશ કુમાર પાસે 43 ધારાસભ્યો છે. તેના આધારે આરજેડીના નેતાઓ તેજસ્વીને સીએમની ખુરશી પર બેસાડવાની માંગ કરી રહ્યા છે. આરજેડી નેતાઓ સતત માંગ કરી રહ્યા છે કે, નીતિશ કુમારે મુખ્યમંત્રીની ખુરશી તેજસ્વી યાદવને સોંપીને 'દિલ્હી કૂચ' કરવી જોઈએ.
આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે પણ ભૂતકાળમાં કહ્યું હતું કે, 2023માં નીતિશે બિહારની કમાન તેજસ્વી યાદવને સોંપવી જોઈએ અને તેમણે 2024ની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો કે, નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે, 2025ની બિહાર વિધાનસભાની કમાન તેજસ્વી યાદવના હાથમાં હશે અને ચૂંટણી તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે.