BJP : હવે NDAનો વારો!!! ભાજપ પાડી શકે છે મોટો ખેલ
એક તરફ ભાજપ સામે ચૂંટણી મેદાનમાં એકસાથે આવવાના હેતુથી વિપક્ષી પાર્ટીઓ પણ મહાગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ ભાજપમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
NDA Meeting News : દેશમાં આગામી યોજાનારી લોકસભાની ચૂંટણીને આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહી ગયો છે. આવી સ્થિતિમાં તમામ મુખ્ય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ પાર્ટીઓ જોડતોડની રાજનીતિમાં લાગી ગઈ છે. એક તરફ ભાજપ સામે ચૂંટણી મેદાનમાં એકસાથે આવવાના હેતુથી વિપક્ષી પાર્ટીઓ પણ મહાગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ ભાજપમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
સાગમટે ચાર રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષમાં ફેરફાર કર્યા બાદ હવે ભાજપ એનડીએના સાથી પક્ષો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. આ દિશામાં હવે 18મી જુલાઈએ NDAની મોટી બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દિલ્હીની અશોકા હોટલમાં યોજાશે.
આ બેઠકમાં લાંબા સમયથી NDAથી અલગ ચાલી રહેલા અકાલી દળ તરફથી સુખબીર બાદલ, LJPના ચિરાગ પાસવાન સામેલ થશે. ચંદ્રબાબુ નાયડુની ટીડીપી પણ બેઠકમાં ભાગ લઈ શકે છે. સુખબીર બાદલ અને ચિરાગ પાસવાને બેઠકમાં હાજરી આપવા માટે સંમતિ આપી દીધી છે. એનડીએની બેઠકમાં કેટલાક નવા પક્ષો પણ હાજરી આપી શકે છે.
ભાજપ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપમાં સતત બેઠકો ચાલી રહી છે. ભાજપની ટોચની નેતાગીરીની અનેક રાઉન્ડની બેઠકો બાદ તાજેતરમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક પણ યોજાઈ હતી. કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની શક્યતાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ બેઠકો થઈ છે. આ પછી ભાજપે ચાર રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષો પણ બદલ્યા.
વિરોધ પક્ષોમાં જુથવાજીનો ધમધમાટ
બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પણ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. 23 જૂને પટનામાં 17 વિપક્ષી દળોની બેઠક થઈ હતી. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતા રાહુલ ગાંધી, NCP ચીફ શરદ પવાર, TMC ચીફ મમતા બેનર્જી, RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન વિરોધ પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી હતી.
જોકે મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય ઘટનાક્રમે વિરોધ પક્ષના મહાગઠબંધનની જરૂરથી ફટકો માર્યો છે. શરદ પવારની એનસીપીની ઉભી ફાડ થતા રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધનના ગણીત રમણ ભમણ થઈ ગયા છે.