(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સીજનની અછતથી થયેલા મોતનો કેંદ્રએ રાજ્ય સરકારો પાસે આંકડો માંગ્યો
Govt. Seeks data on Oxygen shortage deaths: કેંદ્ર સરકારે રાજ્યોને કહ્યું કે આ વર્ષે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ઓક્સીજનની અછતથી થયેલા મૃત્યુના આંકડા આપવામાં આવે.
Govt. Seeks data on Oxygen shortage deaths: કેંદ્ર સરકારે રાજ્યોને કહ્યું કે આ વર્ષે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ઓક્સીજનની અછતથી થયેલા મૃત્યુના આંકડા આપવામાં આવે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે આ આંકડાને 13 ઓગસ્ટે સમાપ્ત થતા મોનસૂન સત્ર પહેલા સંસદમાં રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરુઆતમાં કોરોના સંક્રમણના કેસમાં ખૂબ જ વધારો થવાના કારણે દેશની સ્વાસ્થ્ય સેવાઓ ડામાડોળ થઈ ગઈ હતી. દેશભરની હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને વેક્સિનની અછત સર્જાઈ હતી. આ સાથે જ મેડિકલ ઓક્સીજનની અછતના કારણે સ્થિતિ વધારે ગંભીર બની હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતે ઈમરજન્સીમાં ઘણા દેશો પાસેથી ઓક્સીજનની આયાત કરવી પડી હતી. ઘણા કોરોનાના દર્દીઓએ ઓક્સીજન ન મળવાના કારણે દમ તોડ્યા હતા.
ગોવામાં મે મહિનામાં રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલોમાં આશરે 80થી વધારે લોકોના મોત થયા હતા. આંધ્ર પ્રદેશના તિરુપતિમાં હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ 11 કોવિડ દર્દીઓના ઓક્સીજનની અછતના કારણે મોત થયા હતા. હૈદારાબાદની હોસ્પિટલમાં બે કલાક ઓક્સીજનની અછત સર્જાતા સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ભારતમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 29,689 નવા કેસ નોંધાયા અને 415 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 42,363 લોકો કોરોનાથી ઠીક થયા છે.
44 કરોડથી વધારે રસીના ડોઝ અપાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 26 જુલાઈ સુધી 44 કરોડ 19 લાખ કરતાં વધારે કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 20 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.
દેશમાં કોરોનાની સ્થિતિ
- કુલ એક્ટિવ કેસઃ 3,89,100
- કુલ રિકવરીઃ 3,06,21, 469
- કુલ મૃત્યુઆંકઃ 4,21,382
દેશમાં કોરોનાનો ભોગ બનવાના અથવા રસીકરણના કારણે વ્યાપક પ્રમાણમાં લોકોમાં કોરોના વાઈરસ સામે હર્ડ ઈમ્યુનિટી વિકસી છે તેમ છતાં બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. એઈમ્સના કોવિડ-૧૯ આઈસીયુનું સંચાલન કરી રહેલા ડૉ. યુદ્ધવીર સિંહે જણાવ્યું હતું કે કોરોનાના કેસ ઓછા છે ત્યારે કેટલાક નિયંત્રણો સાથે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય તે મહત્વનું છે. જોકે, લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. કોરોનાના કેસ ઓછા છે તેમ માનીને લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં નોંધાયેલા કેસને ધ્યાનમાં લેતાં મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે. વિશ્વના વિવિધ ભાગોમાં ચેતવણીના સંકેતો અલગ અલગ છે. ભારતમાં પણ કેસોમાં હાલમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસ કોઈપણ સમયે અચાનક જ વધી શકે છે. દેશમાં કોરોનાની બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે બધા જ લોકોએ વિશેષ કાળજી રાખવી પડશે.