કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર, ટોસલીઝુમેબ કે પ્લાઝમા નહીં પણ આ ત્રણ દવા છે સૌથી મહત્વની, જાણો AIIMSના વડાની મહત્વની ટીપ્સ
ડૉ. ગુલેરિયાએ ઉમેર્યું કે, કોરોનાની મુખ્ય સારવાર ઓક્સિજન છે અને ઓક્સિજન લેવલ જળવાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, કોરોનાના મધ્યમ કેસમાં પણ મુખ્ય સારવાર ઓક્સિજન છે અને લોકોએ સમજવાની જરૂર છે કે, ઓક્સિજન પણ એક દવા છે.
નવી દિલ્હી : દેશભરમાં કોરોનાના (Coronavirus Cases) કેસ વધી રહ્યા છે અને કોરોનાના કારણે થઈ રહેલાં મૃત્યુનો આંક પણ સતત વધી રહ્યો છે ત્યારે ઓલ ઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)ના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ લોકોને મહત્વની સલાહ આપી છે. ડો. ગુલેરિયાના મતે કોરોનાના દર્દીઓ રેમડેસિવિર ઈંજેક્શન, ટોસલીઝુમેબ ઈંજેક્શન અને પ્લાઝમા થેરાપી પર બહુ મદાર રાખે છે પણ રેમડેસિવિર ઈંજેક્શન, ટોસલીઝુમેબ ઈંજેક્શન અને પ્લાઝમા થેરાપી કોરોનાની મુખ્ય સારવાર નથી.
ડૉ. ગુલેરિયાએ ઉમેર્યું કે, કોરોનાની મુખ્ય સારવાર ઓક્સિજન છે અને ઓક્સિજન લેવલ જળવાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, કોરોનાના મધ્યમ કેસમાં પણ મુખ્ય સારવાર ઓક્સિજન છે અને લોકોએ સમજવાની જરૂર છે કે, ઓક્સિજન પણ એક દવા છે. તેમણ કહ્યું કે, ત્યાર પછી સ્ટેરોઈડની જરૂર પડી શકે છે અને લોહીનો ગઠ્ઠો ન જામે તે માટે એન્ટી કોગલેન્ટ જરૂરી છે. કોરોનાની આ ત્રણ જ મુખ્ય સારવાર છે. રેમડેસિવિર ઈંજેક્શન , ટોસલીઝુમેબ ઈંજેક્શન અને પ્લાઝમા થેરાપી એ પછીની સારવાર છે અને એ પણ ઈમર્જન્સી વપરાશ માટે છે.
તેમણે કહ્યું કે, દર્દીને ઓક્સિજન, સ્ટેરોઈડ અને એન્ટી કોગલેન્ટ મળી રહ્યા હોય તો અન્ય વસ્તુઓની જરૂર નથી એવું મેડિકલ રીસર્ચ પણ કહે છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે તમે કોરોના પોઝિટિવ હોવ પરંતુ તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થતી હોય, તમારું ઓક્સિજન લેવલ બરાબર હોય અને ખૂબ જ તાવ પણ ન આવતો હોય તો જરા પણ ગભરાવાની જરૂર નથી. પોઝિટિવ દર્દીએ વધુ દવા લેવાની પણ જરૂર નથી. આ દવાઓ વિપરિત અસર કરી શકે છે અને દર્દીનું સ્વાસ્થ્ય બગાડી શકે છે.
ડૉ. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, કોરોનાથી ગભરાઈને જે દર્દીઓ વારંવાર સીટી સ્કેન કરાવે છે તેઓ મોટું જોખમ વહોરી રહ્યા છે. વારંવાર સીટી સ્કેન કરાવવાથી કેન્સરનું જોખમ છે અને લોકો કેન્સરનો ભોગ બની શકે છે.