(Source: ECI/ABP News/ABP Majha)
Covid Vaccination: દેશમાં રસીકરણનો ગ્રાફ નીચે ઉતર્યો, સતત 5માં દિવસે 15 લાખથી ઓછાને અપાઈ રસી
15 મે થી 21 મે વચ્ચેના કુલ 78 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.જ્યારે ગત સપ્તાહે એક કરોડ 28 લાખ ડોઝ અપાયા હતા.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વેક્સીનેશનની સ્પીડ સતત ઘટી રહી છે. કોરોના સંક્રમણને રોકવા રસીકરણ સૌથી મોટું હથિયાર છે. પરંતુ રસીની અછતના કારણે રસીકરણનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. ચાલુ સપ્તાહે સોમવારથી સતત 5માં દિવસે 15 લાખથીઓછા રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
સોમવારે આશરે 13 લાખ ડોઝ, મંગળવારે 12 લાખ, બુધવારે 11.66 લાખ, ગુરુવારે 14.82 લાખ અને શુક્રવારે 15.58 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. 15 મે થી 21 મે વચ્ચેના કુલ 78 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે ગત સપ્તાહે એક કરોડ 28 લાખ ડોઝ અપાયા હતા. તેના પહેલાના અઠવાડિયે પણ એક કરોડ 21 લાખ ડોઝ અપાયા હતા. 3 એપ્રિલથી 9 એપ્રિલ વટ્ટે સૌથી વધારે બે કરોડ 47 લાખ ડોઝ અપાયા હતા.
કોરોનાની બીજી લહેરની વચ્ચે રસીની અછત થઈ ગઈ છે. આ મામલે રાજ્યોનો દાવો છે કે 18થી 44 વર્ષ સુધીના ઉંમરના લોકો માટે અનેક સેન્ટર્સ પર રસીકરણ અભિયાન અટકાવવું પડ્યું છે. બીજી બાજુ રસી બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)એ કહ્યું કે, સરકારે રસીની ઉપલબ્ધતા ન હોય અને WHO ગાઈડલાઈન્સ પર વિચાર કર્યા વગર જ બધાને રસી આપવાની મંજૂરી આપી દીધી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, સ્વાસ્થ્ય સંબંધિત એક આયોજિત ઈ-સમ્મેલન દરમિયાન બોલતા સીરમ ઇન્સિટ્યૂટ ઓફ ઇન્ડિયાના કાર્યકારી ડાયરેક્ટર સુરેશ જાધવે કહ્યું, “સરકારે તમામ ઉંમરના લોકોને રસી આપવાની મંજૂરી એ જોયા વગર જ આપી દીધી કે કેટલી રસી ઉપલબ્ધ છે અને શું WHOની ગાઈડલાઈન્સ છે. તેમણે કહ્યું કે, ભારતે WHOની ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ અને રસીની પ્રાથમિકતા એ પ્રમાણે જ હોવી જોઈએ.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4194 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,57,0630લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 62 લાખ 89 હજાર 290
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 30 લાખ 70 હજાર 365
કુલ એક્ટિવ કેસ - 29 લાખ 23 હજાર 400
કુલ મોત - 2 લાખ 95 હજાર 525