દિલ્હીમાં કેમ પલટાયો પવન? સર્વેમાં AAP સામે લોકોના ગુસ્સાનું ચોંકાવનારું કારણ જાહેર
યમુનાની ગંદકી, પ્રદૂષણ, અને વિશ્વાસનો અભાવ: AAPની હારના મુખ્ય મુદ્દાઓ

Delhi Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ની કારમી હાર બાદ પક્ષના નેતાઓ અને રાજકીય વિશ્લેષકો કારણોની શોધમાં લાગી ગયા છે. એક તરફ AAPના પ્રવક્તા પ્રિયંકા કક્કરે હારની સમીક્ષા અને ખામીઓ સુધારવાની વાત કરી છે, તો બીજી તરફ એક સર્વે એજન્સીના રિપોર્ટમાં દિલ્હીમાં AAP સરકાર સામે લોકોની નારાજગીના મુખ્ય મુદ્દાઓ સામે આવ્યા છે.
'લોકનીતિ-સીએસડીએસ' નામની સર્વે એજન્સી દ્વારા 29 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવેલા એક સર્વેમાં આ ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. આ સર્વેમાં દિલ્હીની 28 વિધાનસભા સીટો પર 3137 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. સર્વેના તારણો દર્શાવે છે કે દિલ્હીની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ નિર્ણાયક રહ્યા હતા અને AAPના ધારાસભ્યો તેમજ સરકાર પ્રત્યે લોકોમાં અસંતોષ પ્રવર્તતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે અડધાથી વધુ મતદારોએ તો ચૂંટણી પ્રચાર શરૂ થાય તે પહેલાં જ નક્કી કરી લીધું હતું કે તેઓ કોને મત આપશે.
સર્વે મુજબ, AAPની હારનું મુખ્ય કારણ યમુના નદીને સ્વચ્છ કરવાનું વચન પૂરું કરવામાં નિષ્ફળતા માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના વિજય ભાષણમાં યમુના મૈયાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે 2020માં અરવિંદ કેજરીવાલે યમુનાને સાફ કરવાનું વચન આપ્યું હતું અને જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ જાય તો જનતા તેમને સત્તા પરથી હટાવી શકે છે તેમ જણાવ્યું હતું.
લોકનીતિના સર્વેમાં સામે આવ્યું છે કે 10 માંથી 8 લોકોએ યમુના નદીમાં ગંદકીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એટલા જ લોકો ગંદકીના કારણે રોષે ભરાયા હતા. આઠ લોકો પ્રદૂષણ અને પીવાના પાણીની સમસ્યાથી પણ નારાજ હતા. કેજરીવાલે ચૂંટણી પ્રચાર દરમિયાન હરિયાણાના પાણીમાં ઝેર ભેળવવાની વાત કરી હતી, પરંતુ તેનો મતદારો પર કોઈ ખાસ પ્રભાવ પડ્યો ન હતો.
આ ઉપરાંત, AAP સરકાર પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોએ પણ લોકોના મનમાં ઘર કરી લીધું હતું. સર્વેમાં બે તૃતીયાંશ લોકોએ AAP સરકારને ભ્રષ્ટ ગણાવી હતી, જેમાં 28 ટકા લોકોએ તો સરકારને "ખૂબ જ ભ્રષ્ટ" કહી હતી. 10 માંથી 4 લોકોએ મુખ્યમંત્રી આવાસ પર કરવામાં આવેલા બિનજરૂરી ખર્ચને પણ મુદ્દો બનાવ્યો હતો.
આ તમામ પરિબળો સાથે, AAP અને તેના નેતૃત્વએ વિશ્વાસની કટોકટીનો સામનો કરવો પડ્યો, જેના કારણે પાર્ટીને માત્ર હારનો સામનો કરવો પડ્યો નહીં, પરંતુ તેમના મોટા નેતાઓને પણ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો.
આ પણ વાંચો...
દિલ્હી ચૂંટણીમાં કારમા પરાજય પછી હવે કેજરીવાલનું શું થશે, AAPની હારની આ 7 અસરો દિલ્હીમાં જોવા મળશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
