Delhi Lockdown Extended: મોદીની ના છતાં આ રાજ્યમાં એક અઠવાડિયાનું લોકડાઉન
Delhi Lockdown Update: દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયું લંબાવવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત ચોથા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત પાંચમા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 26 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીએ લોકડાઉન વધુ એક અઠવાડિયું લંબાવવાની જાહેરાત કરી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના લોકડાઉન એક અઠવાડિયું લંબાવવામાં આવ્યું છે. આ લોકડાઉન 3 મે, સોમવાર, સવારે 5 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે. કેજરીવાલે ખુદ આ જાહેરાત કરી હતી.
સીએમ કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં કોરોનાનો કહેર ચાલુ છે. લોકડાઉન આગામી સોમવાર સવારે 5 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન અમે જોયું કે પોઝિટિવિટી રેટ લગભગ 36-37 ટકા સુધી પહોંચી ગયો હતો. અમે દિલ્હીમાં આટલો સંક્રમણ દર આજ સુધી નથી જોયો. છેલ્લા એક-બે દિવસથી સંક્રમણ દર થોડો ઘટ્યો છે અને આજે 30 ટકાથી નીચે આવ્યો છે.
દિલ્હીમાં શનિવારે કોરોનાના 24,103 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 357 લોકોના મોત થયા હતા અને 22,695 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. આ સાથે દિલ્હીમાં કોરોનાના કુલ કેસ 10,04,782 પર પહોંચ્યા છે. જ્યારે 8,97,804 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કુલ મૃત્યુઆંક 13,898 છે અને એક્ટિવ કેસની સંખ્યા 93,080 છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,49,691 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2767 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,17,113 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 69 લાખ 60 હજાર 172
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 40 લાખ 85 હજાર 110
કુલ એક્ટિવ કેસ - 26 લાખ 82 હજાર 751
કુલ મોત - 1 લાખ 92 હજાર 311
14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 09 લાખ 16 હજાર 417 ડોઝ આપવામાં આવ્યા છે.