85 ટકા ખેડૂતો નવા કૃષિ કાયદાઓના સમર્થનમાં હતા, જાણો કોણે કર્યો આ દાવો
ખેડૂત નેતા અનિલ ઘનવટના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિની હિતધારકો સાથેની દ્વિપક્ષીય વાતચીતમાં સામે આવ્યું છે કે માત્ર 13.3 ટકા જ હિતધારકો ત્રણ કૃષિ કાયદાની તરફેણમાં ન હતા.
ત્રણ કૃષિ કાયદાઓનો અભ્યાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલ સમિતિ ત્રણેય કાયદાઓને સંપૂર્ણપણે રદ ન કરવાના પક્ષમાં હતી. તેના બદલે સમિતિએ રાજ્યોને નિયત ભાવે પાક ખરીદવાનો અધિકાર આપવા અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમને નાબૂદ કરવાનું સૂચન કર્યું હતું. સમિતિના ત્રણ સભ્યોમાંથી એક સભ્યએ સોમવારે રિપોર્ટ જાહેર કરતી વખતે આ વાત કહી.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલ સમિતિના સભ્ય તેમજ પુણે સ્થિત ખેડૂત નેતા અનિલ ઘનવટે જણાવ્યું હતું કે તેમણે સમિતિના અહેવાલને જાહેર કરવા માટે ત્રણ વખત સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હોવાથી તેઓ પોતે જ આ રિપોર્ટ જાહેર કરી રહ્યા છે. સમિતિના અન્ય બે સભ્યોમાં અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને કૃષિ અર્થશાસ્ત્રી પ્રમોદ કુમાર જોશી હાજર ન હતા.
85.7 ટકા ખેડૂત સંસ્થાઓએ નવા ત્રણ કૃષિ કાયદાનું સમર્થન કર્યું
સ્વતંત્ર ભારત પાર્ટીના પ્રમુખ ઘનવટે કહ્યું કે, "હું આજે આ રિપોર્ટ જાહેર કરી રહ્યો છું. ત્રણેય કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. તેથી હવે તેની કોઈ સુસંગતતા નથી." ઘનવટના જણાવ્યા અનુસાર, સમિતિનો આ રિપોર્ટ ભવિષ્યમાં કૃષિ ક્ષેત્ર માટે નીતિઓ ઘડવામાં મદદ કરશે.
સમિતિની હિતધારકો સાથેની દ્વિપક્ષીય વાતચીત દર્શાવે છે કે માત્ર 13.3 ટકા હિતધારકો ત્રણ કાયદાની તરફેણમાં નથી. ઘનવટે જણાવ્યું હતું કે, "3.3 કરોડથી વધુ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતી લગભગ 85.7 ટકા ખેડૂત સંસ્થાઓએ નવા ત્રણ કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે."
આંદોલનના ખેડૂત સંગઠનોએ જવાબ જ ન આપ્યો
ઓનલાઈન પોર્ટલ દ્વારા મળેલા જવાબો પરથી જાણવા મળ્યું કે લગભગ બે તૃતીયાંશ લોકો નવા ત્રણ કૃષિ કાયદાની તરફેણમાં હતા. ઈ-મેલ દ્વારા મળેલા જવાબમાં એ પણ સામે આવ્યું છે કે મોટાભાગના લોકો ત્રણ નવા કૃષિ કાયદાનું સમર્થન કરે છે. ઘનવટે જણાવ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચા (SKM) ના બેનર હેઠળ આંદોલન કરી રહેલા 40 સંગઠનોને વારંવાર વિનંતી કરવા છતાં તેમણે તેમના મંતવ્યો રજૂ કર્યા નથી.
સમિતિએ 19 માર્ચ 2021 ના રોજ ત્રણ કૃષિ કાયદાઓ પર તેની ભલામણોનો રિપોર્ટ સબમિટ કર્યો હતો. જે અન્ય બાબતોની સાથે, ખેડૂતોને APMCની બહાર ખાનગી કંપનીઓને કૃષિ પેદાશો વેચવાની મંજૂરી આપે છે.