Currency Notes: શું સાચે જ ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશ ભગવાનનો ફોટો છપાશે? સરકારનું મહત્વનું નિવેદન
લોકસભામાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના ફોટા સહિત વધુ ફોટા મૂકવાની માંગ અંગે સરકારને કોઈ વિનંતી કરવામાં આવી છે?
Laxmi Ganesh on Rupee Notes: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ ભારતની ચલણી નોટ પર લક્ષ્મી અને ગણેશ ભગવાનની તસવીર છાપવાની માંગણી કરી હતી. આ માંગણીને લઈને સરકારે સંસદમાં જવાબ આપ્યો છે. સરકારે સંસદને જણાવ્યું હતું કે, તેની પાસે ભારતીય ચલની નોટ પર સ્વતંત્રતા સેનાનીથી લઈને જાણીતા વ્યક્તિઓ, દેવી અને દેવતાઓ અને જાનવરોની પણ તસવીરો છાપવાની માંગણીને લઈને અનુંરોધ કરવામાં આવ્યો છે. જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર ચલણી નોટમાંથી હટાવવાની કોઈ પણ પ્રકારની યોજનાને લઈને સરકારે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશના ફોટાની માંગ!
લોકસભામાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના ફોટા સહિત વધુ ફોટા મૂકવાની માંગ અંગે સરકારને કોઈ વિનંતી કરવામાં આવી છે? આ માંગને લઈને સરકારની શું યોજના છે? આ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્વીકાર્યું હતું કે, સરકારને અનુરોધ કરી આ માંગણી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સ્વાતંત્ર્ય સેનાનીઓથી લઈને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, દેવી-દેવતાઓ અને પ્રાણીઓના ચિત્રો ચલણી નોટો પર છાપવાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરબીઆઈ એક્ટ 1934ની કલમ 25 હેઠળ બેંક નોટની ડિઝાઈન, ફોર્મ અને સામગ્રીના ઉપયોગ અંગે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ બાદ સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે, ત્યારબાદ જ તેમાં ફેરફાર શક્ય છે.
રાષ્ટ્રપિતાની તસવીર હટાવવા અંગે સ્પષ્ટતા
સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય ચલણી નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો હટાવવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે? તો રાજ્યકક્ષાના નાણામંત્રીએ આ મામલે સ્પષ્ટ ઈનકાર દીધો હતો અને કહ્યું હતું કે, આ બાબતનો કોઈ સવાલ જ ઊભો નથી થતો.
સરકારને મળેલા સૂચનો
તેમણે કહ્યું હતું કે, ચલણી નોટો પરની તસવીરને લઈને સરકારને ઘણી વિનંતીઓ અને સૂચનો મળ્યા છે. પંકજ ચૌધરીએ કહ્યું હતું કે, 6 જૂન, 2022ના રોજ આરબીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે હાલની ચલણી નોટોને બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. નોંધપાત્ર વાત એ છે કે, તે સમયે આરબીઆઈએ વર્તમાન ચલણી નોટો અને બેંક નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની અફવાઓનું ખંડન કરવું પડ્યું હતું.
આરબીઆઈએ નકારવું પડ્યું
એવા અહેવાલો સામે આવી રહ્યાં હતા કે, નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઇલ મે-ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામની તસવિરોવાળી ચલણી નોટોની નવી સિરિઝ છાપવા પર વિચાર કરી રહી છે. ત્યાર બાદ આરબીઆઈએ આ અહેવાલ સામે ચાલીને જ નકારી દીધા હતાં.