India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM મોદીએ કરી રાહતની જાહેરાત
India Independence Day: PM મોદીએ કહ્યું કે, આ વર્ષે દિવાળી સુધીમાં, સરકાર આગામી પેઢીના GST સુધારાઓ લાગુ કરશે, જેને તેમણે દેશવાસીઓ માટે "મોટી ભેટ" ગણાવી છે.

India Independence Day:79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે દિવાળી સુધીમાં, સરકાર આગામી પેઢીના GST સુધારાઓ લાગુ કરશે, જેને તેમણે દેશવાસીઓ માટે "મોટી ભેટ" ગણાવી છે. પીએમ મોદીએ કહ્યું, "આ દિવાળી તમારા માટે બેવડી દિવાળી હશે... છેલ્લા આઠ વર્ષમાં, અમે GSTમાં ઘણા મોટા સુધારા કર્યા છે અને હવે અમે આગામી દિવસોમાં પણ GSTમાં સુધારાઓ લાવી રહ્યા છીએ. આનાથી દેશભરમાં કરનો બોજ ઓછો થશે."
હું આ દેશ માટે કરી રહ્યો છું...
સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે, પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું કે, આપણે ખૂબ જ ઝડપથી આગળ વધવા માંગીએ છીએ. હું આ મારા માટે નહીં, દેશ માટે કરી રહ્યો છું. હું કોઈને નુકસાન પહોંચાડવા માટે આ કરી રહ્યો નથી. તેઓ કહે છે કે છેલ્લા દાયકામાં, ભારત સુધારા કરી રહ્યું છે, સારુ પ્રદર્શન કરી રહ્યું છે અને બદલાઈ રહ્યું છે. પરંતુ હવે, આપણે વધુ મજબૂતાઈ સાથે આગળ વધવાની જરૂર છે. તાજેતરના વર્ષોમાં, આપણે FDI, વીમા ક્ષેત્ર, અથવા ભારતમાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓને કાર્યરત કરવાની મંજૂરી સહિત ઘણા સુધારાઓ લાગુ કર્યા છે.
ઓપરેશન સિંદૂર, સિંધુ સંધિ પર પીએમએ શું કહ્યું
પીએમ મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં એટલી તબાહી મચી ગઈ છે કે તેની ઊંઘ ઉડી ગઈ છે અને જો દુશ્મનો ભવિષ્યમાં કંઈ કરવાની હિંમત કરશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે અને ભારત હવે 'પરમાણુ બ્લેકમેલ' સહન કરશે નહીં. દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું કે સિંધુ જળ સંધિ 'અન્યાયી અને એકતરફી' છે જે ભારતને સ્વીકાર્ય નથી.
પીએમ મોદીએ કહ્યું, "આજે મને ખૂબ ગર્વ છે કે, મને ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને સલામ કરવાનો મોકો મળ્યો છે. આપણા બહાદુર સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે." પીએમ મોદીએ કહ્યું કે, જે રીતે સરહદ પારથી આતંકવાદીઓએ પહેલગામમાં લોકોનો નરસંહાર કર્યો, તેનાથી આખું ભારત ગુસ્સાથી ભરાઈ ગયું અને આખી દુનિયા પણ આઘાતમાં હતી. તેમણે કહ્યું, "ઓપરેશન સિંદૂર એ ગુસ્સાની અભિવ્યક્તિ છે."





















