ભારે વરસાદની આગાહીને લઈ આ રાજ્યમાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ, મુખ્યમંત્રીએ લોકોને કરી આ અપીલ
ભારતીય હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી પેમા ખાંડુએ પ્રદેશવાસીઓને સાવચેતી રાખવા અને સંવેદનશીલ અને સૂમસાન વિસ્તારોમાંથી દૂર રહેવા વિનંતી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, પાપુમ પારે અને પશ્ચિમ કામેંગ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વીજળી સાથે વાવાઝોડું અને ભારે વરસાદ થવાની સંભાવના છે. મંગળવાર અને બુધવારે ક્રમશ: પૂર્વી કામેંગ અને પક્કે-કેસાંગ જિલ્લામાં આ પ્રકારનું જ હવામાન રહેવાની આગાહી કરાઈ છે. આ સમયગાળા દરમિયાન કુરુંગ કુમેય, લોઅર સુબનસિરી, શી-યોમી, પશ્ચિમ સિયાંગ, લોહિત, ચાંગલાંગ, તિરપ અને લોંગડિંગ જિલ્લાઓમાં વીજળી સાથે વાવાઝોડું અને ખૂબ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે 29 અને 30 મેના રોજ પક્કે-કેસાંગ, પાપુમ પારે, સિયાંગ, લોહિત, પૂર્વ કામેંગ, પશ્ચિમ કામેંગ, કુરુંગ કુમે, પશ્ચિમ સિયાંગ અને દિબાંગ ખીણ જિલ્લાઓમાં વીજળી સાથે તોફાન અને ભારે વરસાદની ચેતવણી આપી છે. મુખ્યમંત્રી ખાંડુએ, પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતા સાવચેતીનાં પગલાંને અનુસરવા અને જોખમી સ્થળોથી બચવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નાગરિકોને માહિતગાર રહેવા અને ઈમરજન્સીની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરવા આગ્રહ કર્યો છે.
હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે ભારે વરસાદથી ભૂસ્ખલન થઈ શકે છે, જેના પરિણામે રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે અને અચાનક પૂર આવી શકે છે, જેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચી શકે છે. સલામતીના કારણોસર રહેવાસીઓને ભૂસ્ખલન ગ્રસ્ત વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.
વાવાઝોડા રેમલે તબાહી મચાવી હતી
ચક્રવાત રેમલે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. વાવાઝોડાને કારણે 29 હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે. આ દરમિયાન 2100 થી વધુ વૃક્ષો પડી ગયા છે. ક્ષતિગ્રસ્ત મકાનોમાંથી, 27,000 ને આંશિક નુકસાન થયું છે, જ્યારે 2,500 સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે મૂલ્યાંકન ચાલુ હોવાથી આ આંકડાઓ બદલાઈ શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કાકદ્વીપ, નામખાના, સાગર દ્વીપ, ડાયમંડ હાર્બર, ફ્રેઝરગંજ, બકખલી અને મંદારમણિનો સમાવેશ થાય છે. ચક્રવાતને કારણે અત્યાર સુધીમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે.