Weather Update: યુપીથી ગુજરાત સુધી પાણીનો પ્રહાર, મહારાષ્ટ્રમાં એરફોર્સનું રેસ્ક્યૂ, જાણો કેવું રહેશે આજનું હવામાન
IMD Weather Update: આગામી બે દિવસ દરમિયાન કોંકણ, મધ્ય મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અને ગુજરાતમાં અતિ ભારે વરસાદ શક્યતા છે.
IMD Weather Update: દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે. મેદાનોથી લઈને પહાડી રાજ્યો સુધીના ચોમાસાના વરસાદે તબાહીનું દ્રશ્ય દર્શાવ્યું હતું. જો કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદથી રાહત મળી છે પરંતુ ભેજવાળા વાતાવરણને કારણે લોકોનું જનજીવન મુશ્કેલ બન્યું છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીથી ઉપર અને 38 ડિગ્રીથી નીચે અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે પરંતુ 25 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે.
આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
હવામાનની આગાહી કરતી એજન્સીએ જણાવ્યું કે આગામી બે દિવસ દરમિયાન કોંકણ, મધ્ય મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અને ગુજરાતમાં અતિ ભારે વરસાદ શક્યતા છે, જ્યારે ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતના બાકીના ભાગોમાં આગામી 4-5 દિવસ દરમિયાન હળવો વરસાદ પડવાની શક્યતા છે.
IMD દ્વારા જારી કરવામાં આવેલા હવામાન બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 25 જુલાઈ સુધી ભારતના વિવિધ પ્રદેશોમાં હવામાનની સ્થિતિમાં નોંધપાત્ર વરસાદ અને કેટલાક ભારે વરસાદની અપેક્ષા છે. હવામાનની આગાહી કરતી એજન્સીએ જણાવ્યું હતું કે, "આગામી બે દિવસ દરમિયાન મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
આ રાજ્યોમાં વરસાદનો કહેર
ગુજરાતના જુનાગઢમાં ધોધરૂપે 12 ઈંચ અને દાતાર-ગીરનાર પર્વત ઉપર આશરે 16 ઈંચ વરસાદથી આ ઐતિહાસિક નગર કમરસમાણા અને ધોધમાર વહેતા પાણીમાં ડુબ્યું હતું. બીજી તરફ નવસારીમાં બે કલાકમાં ધોધમાર 9 ઈંચ સહિત રાત્રિ સુધીમાં 12.50 ઈંચ,જલાલપોરમાં 11 ઈંચ, ખેરગામમાં 7 ઈંચ સહિત જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હજુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
મધ્ય પ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ પાણીથી મુશ્કેલી ઉભી થઈ છે. બિજનૌરમાં રોડવેઝ બસમાં મુસાફરી કરી રહેલા 40 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. બહરાઈચથી હરિદ્વાર જઈ રહેલી બસ બિજનૌરમાં પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. બસ રસ્તાની વચ્ચે જ એવી રીતે ફસાઈ ગઈ હતી કે મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ ક્રેન બોલાવવામાં આવી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને જેસીબી મશીનની મદદથી એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા.
પંજાબના ઘણા ભાગોમાં જબરદસ્ત જળબંબાકાર છે. અમૃતસરમાં ભારે વરસાદ બાદ દરબાર સાહિબ તરફ જતો રસ્તો ભરાઈ ગયો હતો. જેના કારણે ભક્તોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હિમાચલ પ્રદેશમાં પણ સ્થિતિ ખરાબ છે. ભારે વરસાદે શિમલા જિલ્લાના રોહરુ વિસ્તારનો નકશો બગાડ્યો છે. મહારાષ્ટ્રમાં એવી સ્થિતિ હતી કે લોકોને બચાવવા માટે એરફોર્સને આવવું પડ્યું.
⚠️ Orange Alert⚠️#Saurashtra & #Kutch expects Heavy to Very Heavy Rainfall on 24th July. Stay Safe! #monsoon2023 #WeatherUpdate #weatherforecast #monsoon #RainfallAlert@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/c8KebK7sxv
— India Meteorological Department (@Indiametdept) July 22, 2023
લૈલા ખાડમાં એટલું ભયંકર પૂર આવ્યું કે બધું બરબાદ થઈ ગયું. ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા. જ્યારે કાટમાળને કારણે અનેક વાહનોને પણ ભારે નુકસાન થયું છે, પરંતુ સંકટ હજુ ટળ્યું નથી, ત્યારે હવામાન વિભાગે હિમાચલમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ચંબા અને કુલ્લુમાં પણ વરસાદે તારાજી સર્જી છે.