"ગગન"નો ઉપયોગ કરીને પ્લેનનું સફળ લેન્ડિંગ કરનાર ભારત એશિયાનો પહેલો દેશ બન્યો, જાણો ગગનની વિશેષતા
સેટેલાઈટ પર આધારિત લેન્ડિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને સફળતા પૂર્વક પ્લેનને લેન્ડિંગ કરનાર ઈન્ડિગો દેશની પહેલી એરલાઈન્સ બની ગઈ છે.
સેટેલાઈટ પર આધારિત લેન્ડિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને સફળતા પૂર્વક પ્લેનને લેન્ડિંગ કરનાર ઈન્ડિગો દેશની પહેલી એરલાઈન્સ બની ગઈ છે. ઈન્ડિગોનું પ્લેન જેવું રન વે પર ઉતર્યું થયું એ સાથે ભારતે એક મોટી ઉપલબ્ધતા પણ મેળવી લીધી છે. ભારત સેટેલાઈટ સિસ્ટમથી પ્લેન લેન્ડિંગ કરવાની સિસ્ટમ ધરાવનાર એશિયાનો પહેલો દેશ બની ગયો છે.
એરલાઈન કંપની તરફથી જાહેર થયેલા નિવેદન મુજબ એટીઆર-72 એરક્રાફ્ટમાં આ સેટેલાઈટ લેન્ડિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બુધવારે સવારે રાજસ્થાનના કિશનગઢ એરપોર્ટ પર આ પ્લેનનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ લેન્ડિંગ સિસ્ટમને 'ગગન' નામ અપાયું છે. ગગનનું પુરુ નામ "જીપીએસ એડેડ જીઓ ઓગ્યુમેંટેડ નેવીગેશન" છે. આ સેટેલાઈટ લેન્ડિંગ સિસ્ટમને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયા અને ઈસરોએ સાથે મળીને વિકસીત કરી છે.
ગગન સિસ્ટમના આ છે લાભઃ
ગગન સિસ્ટમનો ઉપયોગ કરીને ઈન્ડિગોની ફ્લાઈટના ટ્રાયલ દરમિયાન ડીજીસીએની ટીમ પણ હાજર રહી હતી. ગગનની મદદથી વિમાન એ એરપોર્ટ ઉપર પણ ઉતરી શકશે જ્યાં મોંઘી લેન્ડિંગ સિસ્ટમ નથી હોતી. નિવેદનમાં કહેવાયું છે કે, ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આ એક મોટી ઉપલબ્ધિ છે. ગગન સિસ્ટમથી હવાઈ મુસાફરીનું આધુનિકીકરણ થશે. આ સાથે વિમાનના ટેકઓફના સમય વાર લાગે છે તેનો સમય પણ ઘટશે જેથી વિમાનની ઉડાનો ઝડપી બનશે. આ સાથે વિમાનમાં વપરાતા ઈંધણનો પણ બચાવ થશે. આ સિસ્ટમની વિમાનની ઉડાન દરમિયાન વધુ સુરક્ષા મળશે.
1 જુલાઈથી ગગન સિસ્ટમ ફરજીયાતઃ
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (ડીજીસીએ) આદેશ કર્યો છે કે, 1 જુલાઈ 2021 સુધીમાં ભારતમાં નોંધાયેલ તમામ વિમાનોમાં 'ગગન' સિસ્ટમ લગાવવી ફરજીયાત રહેશે. આ સિસ્ટમની સચોટતા નાના એરપોર્ટ ઉપર કે જ્યાં લેન્ડિંગ સિસ્ટમ નથી લગાવાઈ એવા એરપોર્ટ ઉપર વિશેષ રીતે ઉપયોગી સાબિત થશે. આ ગગન સિસ્ટમમાં જમીન ઉપર નેવિગેશનલ સ્ટ્રક્ચર જરુરી નથી હોતું ફક્ત જીપીએસ સિસ્ટમનો ઉપગોય કરીને પ્લેનનું સફળતા પૂર્વક લેન્ડિંગ કરી શકાય છે. સાથે જ આ સિસ્ટમ ઈસરો તરફથી લોન્ચ કરાયેલા ગગન જીયો સ્ટેશનર સેટેલાઈટનો પણ ઉપયોગ કરે છે.