દેશમાં લોકડાઉન લાગવાની અટકળો, મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક
શનિવારે મોદીએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ પહેલા શુક્રવારે મણિપુર, ત્રિપુરા અને સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીએ વાત કરી હતી. જેને લઈ દેશમાં ગમે ત્યારે લોકડાઉન લાદવાની જાહેરાત થાય તેવી અટકળો થઈ રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે. સતત ચોથા દિવસે ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબ, કર્ણાટક, બિહાર અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે તેમના રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિ પર વાતચીત કરી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
શનિવારે મોદીએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ પહેલા શુક્રવારે મણિપુર, ત્રિપુરા અને સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીએ વાત કરી હતી. મોદી મહામારીની સ્થિતિ અંગે અને સૂચન આપવા છેલ્લા થોડા દિવસોથી વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉપરાજ્યપાલ સાથે વાત કરી રહ્યા છે. જેને લઈ દેશમાં ગમે ત્યારે લોકડાઉન લાદવાની જાહેરાત થાય તેવી અટકળો થઈ રહી છે.
આ દરિમયાન આજે કોરોનાની ચેઇન તોડવા માટે વધુ બે રાજ્યોએ લોકડાઉન વધાર્યું છે. ઉત્તર પ્રદેશમાં 10 મેએ લોકડાઉન પૂર્ણ થવાનું હતું. જે વધારીને હવે 17 મે સુધી કરી દીધું છે. યૂપીના મુખ્ય સચિવ નવનીત સહગલે આ મામલે જાહેરાત કરી હતી. બીજી તરફ દિલ્લીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 17 મે સુધી કડક પ્રતિબંઘ સાથે લોકડાઉન જાહેર કર્યું છે.
દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 22 લાખ 96 હજાર 414
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 83 લાખ 17 હજાર 404
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 36 હજાર 648
- કુલ મોત - 2 લાખ 42 હજાર 648