Indian Railways: રામ ભક્તોને રેલવેની મોટી ભેટ, અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે 1000થી વધુ ટ્રેન દોડાવશે
Indian Railways: નવનિર્મિત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ 100 દિવસ દરમિયાન રામ ભક્તોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ દેશના વિવિધ ભાગોમાંથી અયોધ્યા માટે 1,000 થી વધુ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.
Indian Railways: અયોધ્યામાં ભગવાન રામનું દિવ્ય મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે લગભગ તૈયાર છે. ભગવાન રામ 22 જાન્યુઆરી, 2024 ના રોજ તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે. 500 વર્ષની રાહ જોયા બાદ રામલલ્લા તેમના દિવ્ય મહેલમાં બિરાજમાન થશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ભારતીય રેલ્વે પણ આ માટે ખાસ તૈયારી કરી રહ્યું છે. નવનિર્મિત રામ મંદિરના ઉદ્ઘાટનના પ્રથમ 100 દિવસ દરમિયાન રામ ભક્તોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ દેશના વિવિધ ભાગોમાંથી અયોધ્યા માટે 1,000 થી વધુ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોનું સંચાલન 19 જાન્યુઆરી, 2024થી શરૂ થવા જઈ રહ્યું છે.
ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પછી 23 જાન્યુઆરી, 2024 થી મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકાશે. આ ટ્રેનો દ્વારા રામ નગરી અયોધ્યાને દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, પુણે, કોલકાતા, નાગપુર, લખનઉ અને જમ્મુ સહિતના ઘણા મોટા શહેરો સાથે જોડવામાં આવશે, જેનાથી શ્રદ્ધાળુઓ માટે મુસાફરી સરળ બનશે.
ટ્રેનોની સંખ્યા વધારી શકાય છે
સૂત્રોના જણાવ્યા અનુસાર જો માંગ વધશે તો ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી શકે છે. પ્રવાસીઓના અંદાજિત વધારાને ધ્યાનમાં રાખીને અયોધ્યા સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી શકે છે. નવા સ્ટેશનમાં દરરોજ 50 હજાર લોકોને હેન્ડલ કરવાની ક્ષમતા હશે. જે 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. રેલવે હાલમાં રાજ્યોની મદદથી ટ્રેનોની સંખ્યા અને સમયપત્રક પર કામ કરી રહ્યું છે.
IRCTC 24 કલાક ફૂડ સર્વિસ આપવાની તૈયારી કરી રહ્યું છે.
અયોધ્યાની મુલાકાતે આવતા પ્રવાસીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેના ઉપક્રમ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) 24 કલાક ભોજન સેવા પ્રદાન કરવાની તૈયારીઓ પર કામ કરી રહ્યું છે. આ માટે IRCTC ઘણા સપ્લાયર્સ સાથે વાત કરી રહી છે.
રામ મંદિર જતા મુસાફરો માટે રેલ્વે વિશેષ તૈયારીઓ કરી રહી છે. અયોધ્યા રેલ્વે સ્ટેશન અને આંતરરાષ્ટ્રીય શ્રી રામ એરપોર્ટ સ્ટેશનથી ભવ્ય રામ મંદિરની ઝલક જોઈ શકાય છે. હાલમાં જ તસવીરો સામે આવી છે જેમાં દેખાઇ રહ્યું છે કે, રામ મંદિર દર્શન માટે રેલવેની ખાસ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે. આ ઉપરાંત દેશના વીવીઆઈપી મહેમાનો ફિલ્મ, રમતગમત, સાહિત્ય અને ઉદ્યોગની મોટી હસ્તીઓ પણ સામેલ થઈ શકે છે.