Jagdeep Dhankhar : જાણો કોણ છે જગદીપ ધનખડ, જેમને NDAના ઉપરાષ્ટ્રપતિના ઉમદેવાર જાહેર કરાયા છે
Jagdeep Dhankhar News : ભારતીય જનતા પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને NDAના ઉમેદવાર જાહેર કર્યા છે.
Vice President Election : દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને NDAના ઉમેદવાર જાહેર કર્યા છે. જગદીપ ધનખડ ભારતીય રાજકારણનો મોટો ચહેરો છે. આવો જાણીએ જગદીપ ધનખડ વિષે.
રાજસ્થાનમાં જન્મ અને શિક્ષણ
જગદીપ ધનખડનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાન રાજ્યના એક નાનકડા ગામ કિથાણામાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ કિથાણા ગામની શાળામાં પૂર્ણ કર્યું. તેમનું શાળાકીય શિક્ષણ સૈનિક સ્કૂલ, ચિત્તોડગઢમાંથી પૂર્ણ કર્યું અને પછી રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી સ્નાતક થયા. તેઓ ફિઝિક્સ વિષય સાથે BSC ઓનર્સ થયા અને બાદમાં LLB કરી વકીલ પણ બન્યા.
જગદીપ ધનખડના લગ્ન ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ સુદેશ ધનખડ સાથે થયા હતા. ધનખડ દંપતિને એક પુત્રી છે જેનું નામ કામના છે.
વ્યવસાયે વકીલ છે જગદીપ ધનખડ
જગદીપ ધનખડ વ્યવસાયે વકીલ છે. તેઓ રાજસ્થાન હાઇકોર્ટના વકીલ છે. વર્ષ 1987માં સૌથી નાની વયે રાજસ્થાન હાઇકોર્ટ બાર એસોસિએશન, જયપુરના પ્રમુખ તરીકે ચૂંટાયા.વર્ષ 1988માં રાજસ્થાન બાર કાઉન્સિલના સભ્ય ચૂંટાયા હતા. તેમણે સમાચારપત્રોમાં કાયદાને લગતા લેખો પણ લખ્યા છે.
રાજસ્થાન વિધાનસભાના સભ્ય રહ્યાં
જગદીપ ધનખડ 10મી રાજસ્થાન વિધાનસભા - 1993થી 1998 દરમિયાન વિધાનસભાના સભ્ય રહ્યાં. તેઓ અજમેર જિલ્લાની કિશનગઢ વિધાનસભા બેઠક પર જીતી ધારાસભ્ય બન્યા હતા.
લોકસભામાં સાંસદ રહ્યાં
તેઓ વર્ષ 1989માં ઝુનઝુનુ સંસદીય મતવિસ્તારમાંથી 9મી લોકસભા માટે ચૂંટાયા હતા અને લોકસભામાં સાંસદ બન્યા હતા. 1990માં સંસદીય સમિતિના અધ્યક્ષ રહ્યાં હતા હતા.
ચંદ્રશેખર સરકારમાં કેન્દ્રીય મંત્રી રહ્યાં
જગદીપ ધનખડ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સરકાર કેન્દ્રીય મંત્રી તરીકે રહ્યાં. તેઓ કેદ્રીય રાજ્યમંત્રી રહ્યા હતા.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે જગદીપ
જગદીપ ધનખડ હાલ પશ્ચિમ બંગાળના 27માં રાજ્યપાલ છે. અને તેના કારણે જ તેઓ ચર્ચામાં રહ્યાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અને રાજ્યપાલ ધનખડ વચ્ચે વચ્ચેના મતભેદો એટલા વધી ગયા કે તેની ચર્ચા રાષ્ટ્રીય લેવલે પણ હતી. ત્યાં સુધી કે મમતા બેનરજીએ ઘણીવાર રાજયપાલ ધનખડ સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો હતો અને TMCએ રાજયપાલ ધનખડ સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા.