કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળના કાર્યકર્તાની હત્યા મામલે પોલીસે શું કહ્યું ? જાણો મોટા સમાચાર
26 વર્ષીય હર્ષની હત્યાના કેસમાં 12 લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી છે અને તેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે.
શિવમોગાઃ કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપવા માટે રાજ્ય સરકારે સ્થાનિક વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યું છે. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. રાજ્ય સરકારના એક મંત્રીએ કહ્યું છે કે હિજાબ વિવાદ સહિત તમામ એંગલથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
26 વર્ષીય હર્ષની હત્યાના કેસમાં 12 લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી છે અને તેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે રાત્રે કારમાં આવેલા એક ટોળાએ હર્ષને ઢોર માર માર્યો હતો. એડીજીપી (કાયદો અને વ્યવસ્થા) પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે અમે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તમામ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને બાકીનાની શોધ ચાલી રહી છે. અમે ટૂંક સમયમાં હત્યામાં સંડોવાયેલા તમામ લોકોની ધરપકડ કરીશું, ત્યારે જ અમે હત્યાના હેતુ વિશે કંઇક કહી શકીશું.
સોમવારે હિંસાની વાત કરીએ તો આવી 14 ઘટનાઓ બની છે અને આ અંગે ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. કર્ણાટક સરકારે સોમવારે કહ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં હિજાબ વિવાદ અને હત્યા વચ્ચેની કોઈ કડી બહાર આવી નથી, પરંતુ રાજ્યના ગૃહ પ્રધાન એ.કે. જ્ઞાનેન્દ્રએ કહ્યું, 'હિજાબ વિવાદ સાથે સંકળાયેલી સંસ્થાઓ પણ તપાસ હેઠળ છે. તેમની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે પથ્થરમારાની ઘટનામાં જે લોકો સામેલ હતા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હર્ષના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આગચંપી અને હિંસાની ઘટનાઓ બની હતી. કારને આગ ચાંપવામાં આવી હતી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ફોટો જર્નાલિસ્ટ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા.