Maharashtra ના વધુ એક શહેરમાં 31 માર્ચ સુધી લાદવામાં આવશે Lockdown, જાણો વિગતે
Lockdown News: મહારાષ્ટ્રના થાણેના 11 હોટસ્પોટમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન નાંખવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં કોરોનાના મામલા વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક સહિત દેશના અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોનાએ કહેર મચાવ્યો છે.
કોરોનાના વધતા કેસ વચ્ચે ફરી એક વખત લોકડાઉન નાંખવામાં આવી રહ્યું છે. થાણેમાં કોરોનાને કાબુમાં કરવા તંત્રએ 11 હોટસ્પોટમાં લોકડાઉન લાગુ કર્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ થાણેના 11 હોટસ્પોટમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન નાંખવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં કોરોનાના મામલા વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, વિદર્ભ, પુણે અને મુંબઈમાં ઝડપથી નવા મામલા આવવાના કારણે માત્ર 13 દિવસમાં જ એક લાખથી વધારે મામલા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સખ્યા 22,08,586 પર પહોંચી છે.
આ પહેલા ઓરંગાબાદમાં આંશિક લોકડાઉન લગાવવાનો ફેંસલો સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. 11 માર્ચથી 4 એપ્રિલ સુધી શહેરમાં તમામ સાર્વજનિક કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. એટલું જ નહીં આ દિવસો દરમિયાન શહેરમાં કોઇ પણ હોલમાં લગ્ન સમારંભ નહીં યોજાય. સ્થાનિક તંત્રના કહેવા મુજબ, જે કોઇના લગ્ન પહેલાથી જ નક્કી થયા હશે તેમણે રજિસ્ટર મેરેજ કરવા પડશે. ઉપરાંત સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, એપીએમસી પણ આ દરમિયાન બંધ કરવાનો ફેંસલો તંત્રએ લીધો છે. જ્યારે શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે.