Ludhiana Court Blast: લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ મામલે કેંદ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકારે પાસે રિપોર્ટ માંગ્યો, રાજ્યમાં એલર્ટ
Ludhiana Court Blast: લુધિયાણાની એક કોર્ટમાં ગુરુવારે બ્લાસ્ટ થયો હતો, જેમાં બે વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.
Ludhiana Court Blast: લુધિયાણાની એક કોર્ટમાં ગુરુવારે બ્લાસ્ટ થયો હતો, જેમાં બે વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. બ્લાસ્ટ લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરના ત્રીજા માળે થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે કોર્ટ બિલ્ડિંગના બીજા માળે આવેલા શૌચાલયમાં બ્લાસ્ટ થયો હતો. આ સમયે જિલ્લા કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે એક દિવાલ ધરાશાયી થઈ હતી અને પાર્કિંગમાં રહેલા કેટલાક વાહનોને પણ નુકશાન થયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી બ્લાસ્ટને લઈને રિપોર્ટ માંગ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વિસ્ફોટની નિંદા કરી હતી અને કહ્યું હતું કે તેઓ સ્થિતિની સમીક્ષા કરવા લુધિયાણા જશે. ચન્નીએ ચંદીગઢમાં પત્રકારોને કહ્યું, "લુધિયાણામાં બ્લાસ્ટ થયો છે... હું સીધો લુધિયાણા જઈ રહ્યો છું."
તેમણે કહ્યું "જેમ જેમ (વિધાનસભા)ની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ કેટલાક રાષ્ટ્ર વિરોધી અને રાજ્ય વિરોધી શક્તિઓ આવા જઘન્ય કૃત્યોને અંજામ આપવાનો પ્રયાસ કરી રહી છે.... સરકાર પણ આ અંગે સતર્ક છે અને લોકો પણ. સાવધાન રહેવું જોઈએ." ચન્નીએ કહ્યું. કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.
પંજાબના ઉપમુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે અમારી ફોરેન્સિક ટીમ પહોંચી ગઈ છે. સરહદી રાજ્ય હોવાને કારણે, અમે બહારના દળોની સંભાવના સહિત કોઈપણ બાબતને નકારી શકીએ નહીં, કારણ કે તેઓ ક્યારેય નથી ઈચ્છતા કે પંજાબ સ્થિર રહે. સમગ્ર રાજ્ય હાઈ એલર્ટ પર છે.
લુધિયાણાના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું કે વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને ફોરેન્સિક ટીમ બ્લાસ્ટની તપાસ માટે સ્થળ પરથી સેમ્પલ એકત્રિત કરશે. પ્રાથમિક તપાસ સાથે જોડાયેલા એક સવાલ પર ભુલ્લરે કહ્યું કે અત્યારે કંઈપણ કહેવું મુશ્કેલ છે. તપાસ ચાલુ છે.
પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે કહ્યું કે તેઓ આ ઘટનામાં જાનહાનિ વિશે જાણીને દુઃખી છે. સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, લુધિયાણા કોર્ટ સંકુલમાં વિસ્ફોટના સમાચાર ચિંતાજનક છે. જાનહાનિ વિશે જાણીને દુઃખ થયું. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. પંજાબ પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરવી જોઈએ."