બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
આધુનિક યુગમાં પણ સમાજની રૂઢિચુસ્ત માન્યતાઓ કેટલી હદે મજબૂત છે, તેનો ભોગ થરાદ તાલુકાના દાંતિયા ગામની એક યુવતી બની છે. તેના પ્રેમસંબંધને કારણે પરિવારે જ તેની હત્યા કરી નાખી, જેને 'ઓનર કિલિંગ' તરીકે ઓળખવામાં આવે છે.

Crime News: બનાસકાંઠાના થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઓનર કિલિંગનો મામલો બહાર આવ્યો છે. એક યુવતી, ચંદ્રિકા ચૌધરીએ, પરિવારની મરજી વિરુદ્ધ વડગામડા ગામના હરેશ ચૌધરી સાથે મૈત્રી કરાર કર્યા હતા, જેનાથી તેના પિતા અને કાકા નારાજ હતા. પરિવારે આ સંબંધ સ્વીકાર્યો ન હોવાથી તેમણે કાવતરું ઘડીને યુવતીને ઊંઘની દવા આપી અને પછી દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. ગુનો છુપાવવા માટે રાતોરાત મૃતદેહના અગ્નિસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. આ મામલાની જાણ થતાં દિયોદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી કાકાની અટકાયત કરી છે, જ્યારે ફરાર પિતાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
થરાદના દાંતિયા ગામની ચંદ્રિકા ચૌધરીએ હરેશ ચૌધરી સાથે પ્રેમસંબંધ બાંધીને મૈત્રી કરાર કર્યા હતા. પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી ચંદ્રિકાના પિતા સેધાભાઈ પટેલ અને કાકા શિવરામભાઈ પટેલે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. તેમણે યુવતીને ઊંઘની ગોળીઓ આપી અને પછી ગળે ટૂંપો આપીને મારી નાખી. પુરાવાનો નાશ કરવા માટે તેમણે રાતોરાત તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. પ્રેમી હરેશે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કર્યા બાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. પોલીસે કાકાની ધરપકડ કરી છે અને પિતાને પકડવા માટે તપાસ ચાલુ છે.
પ્રેમસંબંધ અને મૈત્રી કરાર
ચંદ્રિકા ચૌધરી પાલનપુરમાં રહીને NEET ની પરીક્ષાની તૈયારી કરતી હતી. આ દરમિયાન તેની મુલાકાત થરાદના વડગામડા ગામના હરેશ ચૌધરી સાથે થઈ. બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ અને પ્રેમસંબંધ બંધાયો. ચંદ્રિકાના પરિવારે તેના અભ્યાસ પર રોક લગાવતા, ચંદ્રિકાને ડર હતો કે પરિવાર તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવી દેશે. તેથી, 4 જૂન, 2025 ના રોજ તે હરેશ સાથે અમદાવાદ ગઈ અને બંનેએ મૈત્રી કરાર કરી લીધા. આ પછી તેઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાન પણ ફરવા ગયા.
પરિવાર દ્વારા હત્યાનું કાવતરું
ચંદ્રિકાના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. જ્યારે પોલીસ દ્વારા ચંદ્રિકાને શોધી કાઢીને પરિવારને સોંપવામાં આવી, ત્યારે પરિવારે તેને ઘરે રાખી. ચંદ્રિકાએ તેના પ્રેમી હરેશને મેસેજ કરીને કહ્યું હતું કે જો તેને ત્યાંથી લઈ જવામાં નહીં આવે તો તેના પરિવારજનો તેને મારી નાખશે. આ મેસેજ પછી તરત જ, ચંદ્રિકાના પિતા સેધાભાઈ પટેલ અને કાકા શિવરામભાઈ પટેલે તેની હત્યા કરવાનું કાવતરું રચ્યું. રાત્રિના સમયે ચંદ્રિકાને ઊંઘની દવા આપીને તેમણે દુપટ્ટા વડે ગળે ટૂંપો દઈને તેને મોતને ઘાટ ઉતારી દીધી.
પોલીસ કાર્યવાહી અને તપાસ
આ ગુનાને છુપાવવા માટે, પિતા અને કાકાએ રાતોરાત ગામના સ્મશાનમાં ચંદ્રિકાના અંતિમ સંસ્કાર કરી દીધા. પરંતુ, ચંદ્રિકાના પ્રેમી હરેશે તેના મેસેજના આધારે હાઇકોર્ટમાં 'હેબિયસ કોર્પસ' અરજી દાખલ કરી. હાઇકોર્ટે પોલીસને ચંદ્રિકાને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો. પોલીસની તપાસમાં આ સમગ્ર હત્યાનો પર્દાફાશ થયો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કાકા શિવરામભાઈ પટેલની ધરપકડ કરી છે અને ફરાર આરોપી પિતા સેધાભાઈ પટેલને પકડવા માટે વિવિધ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હરેશ ચૌધરી પરિણીત છે અને તેને એક સંતાન પણ છે. તેની પત્ની તેની સાથે રહેતી નથી. આ મામલામાં ફરિયાદી હરેશ ચૌધરી પોલીસ તપાસમાં કોઈ અવરોધ ન આવે તે માટે મીડિયા સામે કશું બોલવા તૈયાર નથી. પોલીસનું કહેવું છે કે ગુનો નોંધાઈ ગયો છે અને કોર્ટમાં તેનું નિવેદન લેવામાં આવ્યું છે. આશા છે કે આગામી સમયમાં ન્યાય થશે.





















