Uddhav Thackeray Resigns: રાજીનામું આપવા જાતે જ કાર ડ્રાઇવ કરીને રાજભવન પહોંચ્યા હતા ઉદ્ધવ ઠાકરે
શિવસેનામાં બળવા પછી ઉદ્ધવ ઠાકરેએ આખરે બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
Maharashtra Political Crisis: શિવસેનામાં બળવા પછી ઉદ્ધવ ઠાકરેએ આખરે બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ફેસબુક લાઈવ મારફતે લોકોને સંબોધ્યા હતા. દરમિયાન તેમણે રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેઓ કાર જાતે જ ડ્રાઇવ કરીને રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પોતાનું રાજીનામું સોંપ્યુ હતું. કારમાં તેમની સાથે પુત્ર આદિત્ય ઠાકરે પણ હતા. બીજી તરફ, એકનાથ શિંદે જ્યારે તેમના જૂથના ધારાસભ્યો સાથે ગોવા પહોંચ્યા ત્યારે રાજ્ય ભાજપના ટોચના નેતાઓએ મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.
#WATCH Mumbai | Uddhav Thackeray reaches Raj Bhavan to submit his resignation as Maharashtra CM to Governor Bhagat Singh Koshyari pic.twitter.com/VKeNiwfvjs
— ANI (@ANI) June 29, 2022
ઉદ્ધવ ઠાકરેએ રાત્રે લગભગ 9.30 વાગ્યે મહારાષ્ટ્રના લોકોને સંબોધતા કહ્યું કે તેમને 'નંબરની રમત'માં રસ નથી અને તેથી જ તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે ફેસબુક લાઇવ પર કહ્યું કે હું પણ વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. આ સાથે, ઠાકરેએ પક્ષના કાર્યકરોને વિરોધ કરવા માટે રસ્તા પર ન આવવાની અપીલ કરી હતી.
વાસ્તવમાં આ અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલે બુધવારે કહ્યું હતું કે ઉદ્ધવ સરકારે ગુરુવારે સવારે 11 વાગ્યે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો જોઈએ. શિવસેનાએ ફ્લોર ટેસ્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે લાંબી ચર્ચા બાદ ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે લગભગ 9 વાગ્યે પોતાનો ચુકાદો આપ્યો હતો.
આ પછી તરત જ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમને પોતાનું પદ છોડવાનો કોઈ અફસોસ નથી. શિવસેના પ્રમુખે પાર્ટી કાર્યકર્તાઓને અપીલ કરી કે બળવાખોર ધારાસભ્યોને પાછા ફરવા દે અને તેમની સામે વિરોધ ન કરે.
ઉદ્ધવ ઠાકરેએ આ દરમિયાન કેબિનેટના નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો. ઠાકરેએ કહ્યું કે ગઠબંધન ભાગીદારો કોંગ્રેસ અને એનસીપીએ બુધવારે સાંજે યોજાયેલી છેલ્લી કેબિનેટ બેઠકમાં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો ન હતો. તેમણે MVA સરકાર ચલાવતી વખતે સહકાર આપવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCP પ્રમુખ શરદ પવારનો પણ આભાર માન્યો હતો.
બળવાખોર ધારાસભ્યોનો ઉલ્લેખ કરતા શિવસેના પ્રમુખે કહ્યું, "તમારી સમસ્યા શું હતી? સુરત અને ગુવાહાટી જવાને બદલે તમે સીધા મારી પાસે આવીને તમારો અભિપ્રાય વ્યક્ત કરી શક્યા હોત. શિવસેના સામાન્ય લોકોની પાર્ટી છે અને તેણે ઘણા પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે.