(Source: ECI/ABP News/ABP Majha)
Bhagalpur Blast : ભાગલપુરમાં ફટાકડા બનાવતા સમયે પ્રચંડ વિસ્ફોટ, 3 ઘર ધરાશાયી, 9 લોકોના મોત
Bhagalpur Blast : વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તાતારપુર ચોક અને આસપાસના લોકો ઘરની બહાર આવી ગયા હતા. ઘટના બાદ એક કલાક સુધી સમગ્ર શહેરી વિસ્તારમાં ગનપાઉડરની દુર્ગંધ ફેલાઈ રહી હતી.
Bhagalpur Blast : બિહારના ભાગલપુરના તાતારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાજવલીચક વિસ્તારમાં ગુરુવારે બપોરે લગભગ 12.45 વાગ્યે એક ઘરની અંદર થયેલા બોમ્બ વિસ્ફોટથી તબાહી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં કુલ ત્રણ મકાનો ધરાશાયી થયા હતા, જ્યારે એક મહિલા અને એક બાળક સહિત નવ લોકોના મોત થયા હતા. 11 ઘાયલોને બપોરે 1 વાગ્યા સુધી કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આસપાસના કેટલાક અન્ય મકાનોને પણ નુકસાન થયું હતું.
ફટાકડા બનાવતી વખતે વિસ્ફોટ થયો
પોલીસે સંકેત આપ્યા છે કે ફટાકડા બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો. એસએસપી બાબુ રામે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ફટાકડા બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો. જણાવવામાં આવ્યું હતું કે રાત્રે 11.35 વાગ્યે વિસ્તારના એક ઘરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘરમાં શીલા દેવી અને લીલા દેવી રહેતા હતા. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે નજીકના અન્ય બે મકાનો પણ ધરાશાયી થયા હતા.
કાટમાળ અડધો કિલોમીટર દૂર સુધી ઉડીને પડ્યો
આ સિવાય કેટલાક અન્ય મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘરનો કાટમાળ અડધો કિલોમીટર દૂર સુધી ઉડીને પડ્યો હતો. વિસ્ફોટ બાદ ભીડ એકત્ર થઈ ગઈ અને બચાવકામ શરૂ કર્યું હતું. શીલા દેવી, ગણેશ કુમાર અને એક છ મહિનાના બાળકના મૃતદેહ થોડી જ વારમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એક પછી એક અડધો ડઝન ઘાયલોને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તમામ મૃતકો અને ઘાયલો કાજવાલી ચોક, તાતારપુરના રહેવાસી છે.ડીઆઈજી, એસએસપી, ડીએમ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. વિસ્ફોટના કારણે વીજ થાંભલાઓ અને વાયરો પણ તુટી ગયા હતા. અંધારાના કારણે રાહત કાર્યમાં મુશ્કેલી પડી રહી હતી.
પ્રચંડ વિસ્ફોટથી શહેર વિસ્તાર હચમચી ગયો
ગુરુવારે રાત્રે કાજવલીચક વિસ્તારમાં થયેલા વિસ્ફોટથી શહેર વિસ્તાર હચમચી ગયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તાતારપુર ચોક અને આસપાસના લોકો ઘરની બહાર આવી ગયા હતા. ઘટના બાદ એક કલાક સુધી સમગ્ર શહેરી વિસ્તારમાં ગનપાઉડરની દુર્ગંધ ફેલાઈ રહી હતી. તાતારપુર ચોકડી પાસે બંને ઘરની મહિલાઓ અને બાળકો બહાર આવી ગયા હતા. મહિલા આફરીન, શમીમા વગેરેએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે ઘરના બારી-બારણાં ખખડી ગયા હતા. અમે ઘરની બહાર આવ્યા તો જોયું કે આસપાસના લોકો પણ બહાર આવી ગયા હતા.