MCD Result : MCDમાં AAPની જીત પણ પરિણામો કેજરીવાલ માટે ચિંતાનો વિષય, જાણો કેમ
ચૂંટણીની સરખામણીએ આમ આદમી પાર્ટીના વોટ શેરમાં જબરદસ્ત વધારો થયો છે પરંતુ ભાજપનો વોટ શેર પણ વધ્યો છે. જે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ માટે એક ચિંતાનો વિષય જરૂર બન્યો છે.
Mcd Election Result Analysis : MCD ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શરૂઆતમાં જોરદાર ટક્કર જોવા મળી હતી પરંતુ આખરે ખરાખરીની લડાઈમાં AAP વિજયી બની હતી. MCDના તમામ 250 વોર્ડના પરિણામ આવી ગયા છે. AAPને 134, ભાજપને 104, કોંગ્રેસને 9 અને અપક્ષોને 3 બેઠકો મળી હતી. આ ચૂંટણી પરીણામોને લઈને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. આપ કાર્યકર્તાઓમાં આનંદની લહેર દોડી ગઈ છે પરંતુ આ પરિણામોમાં સામે આવેલા વોટ શેર અરવિંદ કેજરીવાલ માટે જરૂર ચેતવણી સમાન છે.
ચૂંટણીની સરખામણીએ આમ આદમી પાર્ટીના વોટ શેરમાં જબરદસ્ત વધારો થયો છે પરંતુ ભાજપનો વોટ શેર પણ વધ્યો છે. જે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ માટે એક ચિંતાનો વિષય જરૂર બન્યો છે.
શું કહે છે વોટ શેરના આંકડા?
દિલ્હી MCD ચૂંટણીના પરિણામો પર માત્ર દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે. માટે જ દિલ્હી રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર સાઇટ અને સત્તાવાર એપ્લિકેશન પર ભારે ટ્રાફિક છે. વધારે પડતા ટ્રાફિકના કારણે એપ્લિકેશન ક્રેશ પણ થતી રહી હતી. હવે જો વોટ શેર પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીનો વોટ શેર 42.05 ટકા છે, જે ગત વખત કરતા 16 ટકા વધુ છે. જ્યારે ભાજપનો વોટ શેર 39.09 ટકા રહ્યો જે ગત વખત કરતાં 3 ટકા વધુ છે. બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો તેનો વોટ શેર 11.68 ટકા રહ્યો છે, જે ગત ચૂંટણી કરતા લગભગ 10 ટકા ઓછો છે.
AAPનો વોટ શેર વધ્યો પરંતુ...
કોંગ્રેસની બેઠકો ઘટી છે એટલું જ પરંતુ તેના વોટ શેરમાં પણ જબરદસ્ત ઘટાડો થયો છે. ગત વખતે 31 બેઠકો જીતનારી કોંગ્રેસ આ વખતે બે આંકને પણ સ્પર્શી શકી નથી. 2017માં દિલ્હીની ત્રણેય MCDમાં કોંગ્રેસનો સરેરાશ વોટ શેર 21 ટકા હતો, જે આ વખતે ઘટીને 11.68 ટકા થયો છે. મતલબ કે વોટ શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે. તેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો છે. બીજી તરફ ભાજપ પોતાનો અગાઉનો વોટ શેર બચાવવામાં સફળ તો રહ્યો જ છે પરંતુ આપની લહેર અને 15 વર્ષની એન્ટી ઈન્કમ્બસી છતાંયે તેમાં વધારો કર્યો છે.
કોંગ્રેસમાંથી સરકેલા મત AAPની ઝોળીમાં
ગત વખતે આમ આદમી પાર્ટીને 26 ટકા વોટ મળ્યા હતા જ્યારે આ વખતે તેનો વોટ શેર 42 ટકા છે. એટલે કે ગત વખત કરતાં 16 ટકા વધુ. વોટ શેરના આંકડાઓ પર નજર કરીએ તો એવો સંકેત મળે છે કે કોંગ્રેસમાંથી વિભાજીત થયેલા મોટાભાગના વોટ આમ આદમી પાર્ટીને ગયા છે. એટલે કે કોંગ્રેસને વોટ શેરમાં થયેલા નુકસાનનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો છે.
ભાજપ ચોક્કસપણે હારી ગયું પરંતુ...
ત્રણેય MCD સહિત ગત વખતે 181 બેઠકો જીતનાર ભાજપ આ વખતે માત્ર 104 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે. આમ 15 વર્ષથી સતત ચાલતી MCDમાં ભાજપની સત્તાનો અંત આવ્યો છે. જો કે ભાજપ હાર્યું છે ચોક્કસપણે પરંતુ વોટ શેર પર નજર કરીએ તો કંઈક અલગ જ ચિત્ર દર્શાવે છે. ગત વખતની સરખામણીએ ભાજપનો વોટ શેર 3 ટકા વધ્યો છે.
ગત ચૂંટણીમાં જેમનો વોટ શેર
2017માં એમસીડીને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી. કુલ વોર્ડ 272 હતા. જેમાંથી ભાજપને 181, આમ આદમી પાર્ટીને 49 અને કોંગ્રેસને 31 બેઠકો મળી છે. વોટ શેરની વાત કરીએ તો ભાજપને 36 ટકા, AAPને 26 ટકા અને કોંગ્રેસને 21 ટકા વોટ મળ્યા હતાં.