Mehul Choksi: 'અમારા માટે ED-CBI, મોદીજીના 'મેહુલભાઇ' માટે ઇન્ટરપોલ તરફથી છૂટ', કેન્દ્ર પર ખડગેએ કર્યા પ્રહારો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે.
Mehul Choksi Red Notice Removed: દેશભરની તપાસ એજન્સીઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ટીએમસી સહિતના વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરી રહી છે, જ્યારે ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂ. 13,000 કરોડની છેતરપિંડી કેસમાં ભાગેડુ મેહુલ ચોકસીનું નામ પોતાની રેડ નોટિસ લિસ્ટમાંથી હટાવી દીધું છે. હવે આ મુદ્દે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે.
विपक्षी नेताओं के लिए ED-CBI, पर मोदी जी के "हमारे मेहुल भाई" के लिए इंटरपोल से रिहाई !
— Mallikarjun Kharge (@kharge) March 21, 2023
जब "परम मित्र" के लिए कर सकते हैं संसद ठप्प,
तो "पुराना मित्र" जिसको किया था 5 साल पहले फ़रार,
भला उसकी मदद से कैसे करें इंकार?
डूबे देश के हज़ारों-करोड़,
"न खाने दूंगा" बना जुमला बेजोड़ !
ખડગેએ શાયરાના અંદાજમાં ટ્વિટ કર્યુ હતું કે "વિપક્ષી નેતાઓ માટે ED-CBI, પરંતુ મોદીજીના 'અમારા મેહુલ ભાઈ' માટે ઈન્ટરપોલમાંથી મુક્તિ! જ્યારે 'બેસ્ટ ફ્રેન્ડ' માટે સંસદ સ્થગિત થઈ શકે તો 'જૂનો મિત્ર' જે પાંચ વર્ષ અગાઉ ફરાર થઈ ગયો હતો. તેની મદદને કેવી રીતે નકારી શકું? દેશના હજારો અને કરોડો રૂપિયા ડૂબી ગયા, 'ન ખાને દુંગા' બના જુમલા બેજોડ!
ભાગેડુ મેહુલ ચોક્સીનો ઉલ્લેખ કરતા મલ્લિકાર્જુન ખડગેએ પણ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, "તે ભારતની બેંકોમાંથી પૈસા ઉઠાવી લે છે, જે લોકો આવા લોકોને સુરક્ષા આપે છે તેઓ દેશભક્તિની વાત કરે છે."
શું રાહુલ ગાંધી માફી માંગશે?
બીજી તરફ લંડનમાં રાહુલ ગાંધીના ભાષણને લઈને ભારે હોબાળો થયો છે. ભાજપ સતત રાહુલ ગાંધી પાસેથી માફીની માંગ કરી રહ્યું છે. આના પર ખડગેએ જવાબ આપ્યો હતો કે "માફી માંગવાનો કોઈ પ્રશ્ન નથી. તેઓ આ મુદ્દાને ભટકાવવા માટે કરી રહ્યા છે. દૂતાવાસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે પરંતુ તેના પર કોઇ ચર્ચા નહીં. બેંકોમાંથી પૈસા ઉઠાવી રહેલા મેહુલ ચોક્સી જેવા લોકોને સુરક્ષા આપનારા દેશભક્તિ વિશે વાત કરી રહ્યા છે.
એક દિવસ પહેલા ખડગેએ 'ભારત જોડો યાત્રા' દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મામલે દિલ્હી પોલીસ તેમના ઘરે પહોંચતા સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માંગે છે. યાત્રા પૂર્ણ થયાને 46 દિવસ થઈ ગયા છે અને તેઓ હવે પૂછે છે કે તમે કોને મળ્યા? લાખો લોકો યાત્રામાં જોડાયા અને તેમને (રાહુલ ગાંધી) મળ્યા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જે લોકોને મળો છો તેમની ઓળખ કરો.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી સંસદમાં બોલશે, ખડગેએ કહ્યું, “મંગળવાર માટે સમય માંગવામાં આવ્યો છે. જો તેને બોલવા દેવામાં આવે તો તે ચોક્કસ બોલશે. અમે ફક્ત બોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લોકશાહીમાં જો કોઈને બોલવા દેવામાં ન આવે તો તે મુશ્કેલ બની જાય છે.