(Source: ECI/ABP News/ABP Majha)
NDA to form Government: રાષ્ટ્રપતિને મળ્યું NDA ડેલીગેશન, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
એનડીએ નેતાઓનું એક જૂથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યું અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.
NDA to form Government: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. શુક્રવારે અનેક રાઉન્ડની બેઠકો બાદ એનડીએ નેતાઓનું એક જૂથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યું અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નીતિશ કુમાર, એકનાથ શિંદે સહિત 16 પક્ષોના નેતાઓ NDA વતી સરકાર બનાવવાનો દાવો કરવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે સાંજે 6.30 વાગ્યે રાષ્ટ્રપતિ મુર્મુને મળવા જશે. તેમને પીએમ તરીકે નોમિનેટ કર્યા પછી રાષ્ટ્રપતિ સત્તાવાર રીતે શપથ ગ્રહણ સમારોહનો સમય અને સ્થળ નક્કી કરશે.
એનડીએ નેતાઓએ સરકાર બનાવવાનો દાવો કર્યો
લોકસભા ચૂંટણીના પરિણામોમાં, એનડીએ જૂથને 293 બેઠકો મળી હતી, જે 272ના જાદુઈ બહુમતીના આંકડા કરતાં વધુ છે. જો કે, આ વખતે એનડીએનું નેતૃત્વ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી બહુમતીના આંકથી ઘણી દૂર છે. શુક્રવારે બપોરે NDA નેતાઓએ રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો અને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું.
મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા હતા
આ પહેલા શુક્રવારે (7 જૂન) એનડીએ સંસદીય દળોની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ મોદી આશીર્વાદ લેવા લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા. સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે એનડીએ ગઠબંધન સૌથી સફળ ગઠબંધન છે.
સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીએ શું કહ્યું ?
મોદીએ કહ્યું કે આજના વાતાવરણમાં દેશને માત્ર એનડીએમાં જ વિશ્વાસ છે અને જ્યારે આટલો બધો અતૂટ વિશ્વાસ છે તો સ્વાભાવિક છે કે દેશની અપેક્ષાઓ પણ વધે અને હું તેને સારું માનું છું. મેં અગાઉ પણ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષનું કામ માત્ર ટ્રેલર છે. અને આ મારુ કમિટમેન્ટ છે... આપણે વધુ ઝડપથી અને વિશ્વાસ સાથે અને વિસ્તારથી દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મોડુ નથી કરવાનું.
તેમણે કહ્યું કે જો આપણે દરેક પેરામીટર પર લોકસભા ચૂંટણી 2024ના પરિણામોને જોઈએ તો વિશ્વ માનશે અને સ્વીકારશે કે આ એનડીએની મોટી જીત છે. મોદીએ કહ્યું કે 10 વર્ષ પછી પણ કોંગ્રેસ 100નો આંકડો પણ સ્પર્શી શકી નથી. તેમણે કહ્યું કે આપણે ન તો હાર્યા હતા, ન હાર્યા છીએ. આપણે જીતને પચાવવી જાણીએ છીએ.