નીતા અંબાણી BHUમાં વિઝિટિંગ પ્રોફેસર બનશે ? જાણો શું કરી સ્પષ્ટતા
સેન્ટર ફોર વુમન્સ સ્ટડીઝ એન્ડ ડેવલપમેન્ટની પ્રોફેસર નિધિ શર્માએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું હતું કે, નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાનો પ્રસ્તાવ ઓથોરિટીને મોકલવામાં આવ્યો છે. જો તેઓ અમારા સેન્ટર સાથે જોડાશે તો પૂર્વાંચલની મહિલાઓને તેમના અનુભવોનો લાભ મળશે.
વારાણસીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના વિઝિટિંગ પ્રોફેસર બનાવ્યા હોવાના અહેવાલને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું કે મીડિયામાં ચાલી રહેલી તમામ ખબરો જૂઠી છે.
મીડિયામાં છેલ્લા થોડા દિવસોથી બીએચયૂએ નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાની પ્રપોઝલ મોકલી હોવાની અટકળો થઈ રહી હતી. પરંતુ આ તમામ ખબરો પાયાવિહોણી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ અંગેનું નિવેદન બહાર પાડીને આ પ્રકારના કોઈપણ અહેવાલોને પાયા વિહોણા ગણાવ્યા છે.
કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, બનારસ હિન્દુ યુનિવર્સિટીના સેન્ટર ફોર વુમન્સ સ્ટડીઝ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ગત શુક્રવારે નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર નિમવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ પ્રપોઝલમાં નીતા અંબાણી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કોઈ ભૂમિકા નહોતી.
સેન્ટર ફોર વુમન્સ સ્ટડીઝ એન્ડ ડેવલપમેન્ટની પ્રોફેસર નિધિ શર્માએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું હતું કે, નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાનો પ્રસ્તાવ ઓથોરિટીને મોકલવામાં આવ્યો છે. જો તેઓ અમારા સેન્ટર સાથે જોડાશે તો પૂર્વાંચલની મહિલાઓને તેમના અનુભવોનો લાભ મળશે.પરંતુ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ તમામ દાવાઓને નકારી કાઢવામાં આવ્યા છે અને નિવેદન આપતા કહ્યું છે કે આવા કોઈ પ્રકારનું આમંત્રણ મળ્યું નથી.
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 'હર્ષકિલ' નામનું ડિજિટલ પ્લેટફોર્મ મહિલાઓ માટે શરૂ કર્યું હતું. હર્સર્કિલ મહિલાઓ માટે બનાવવામાં આવેલું આ પ્રકારનું પહેલું ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. મહિલા સશક્તિકરણ અને વૈશ્વિક સ્તરે મહિલાઓના ઉત્થાન માટે આ મંચ દરેકના સમક્ષ લાવવામાં આવ્યો છે. 'હર્ષકિલ' પ્લેટફોર્મ મહિલાઓને ભાગીદારી, નેટવર્કિંગ અને મ્યુચ્યુઅલ સપોર્ટ માટે સુરક્ષિત માધ્યમ પ્રદાન કરશે.