કોરોનાકાળમાં દેશમાં ઓક્સિજનની અછતથી એક પણ મોત નથી થયું, મોદી સરકારે રાજ્યસભામાં કહ્યું
આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે પ્રથમ લહેરમાં 3,095 મેટ્રિક ટન ઓક્સિજનની માંગ હતી, જ્યારે બીજી લહેરમાં માંગ 9,000 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન, દેશના ઘણા ભાગોમાંથી ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીના મોતના કેસ નોંધાયા હતા. પરંતુ હવે મોદી સરકારે રાજ્યસભામાં કહ્યું છે કે બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે રાજ્યસભામાં ઓક્સિજનનાં અભાવને કારણે થયેલા મૃત્યુ અંગે સવાલ ઉઠાવ્યા હતા. આના જવાબમાં આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બીજી લહેરમાં ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મોત નથી થયું.
રાજ્યસભામાં સરકારે કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નિયમિત ધોરણે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયને કોરોનાને કારણે થતાં મૃત્યુ અંગેની માહિતી આપવામાં આવે છે. પરંતુ કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશએ આરોગ્ય મંત્રાલયને ઓક્સિજનના અભાવને કારણે થયેલા મૃત્યુ વિશે માહિતી આપી નથી.
આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં તબીબી ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે પ્રથમ લહેરમાં 3,095 મેટ્રિક ટન ઓક્સિજનની માંગ હતી, જ્યારે બીજી લહેરમાં માંગ 9,000 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી. સરકારે કહ્યું કે બીજી કહેરમાં કેન્દ્ર દ્વારા રાજ્યમાં 28 મે સુધી 10,250 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકને મહત્તમ 1200-1200 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવ્યું હતો. જ્યારે, દિલ્હીને 400 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવ્યો હતો.
No deaths due to lack of oxygen reported by states/UTs during COVID-19 second wave: Centre
— ANI Digital (@ani_digital) July 20, 2021
Read @ANI Story | https://t.co/58X3aAeN1f pic.twitter.com/ELk51RE21X
દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા
દેશમાં આજે 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 97.37 ટકા થઈ ગયો છે. જયારે દરરોજનો પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે. દેશમાં ગઈકાલે 374 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 કરોડ 11 લાખ 74 હજાર 322 થઈ ગઈ છે. જ્યારે 374 મોતની સાથે કુલ મોતની સંખ્યા 4 લાખ 14 હજાર 482 થઈ ગઈ છે. દેશમાં 45 હજાર 254 ગઈકાલે ડિસ્ચાર્જ થયા બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3 કરોડ 3 લાખ 53 હજાર 710 થઈ ગઈ છે. દેશમા એક્ટિવ કેસની કુલ સંખ્યા 4 લાખ 6 હજાર 130 છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 52 લાખ 67 હજાર 309 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ કુલ રસીકરણો આંકડો 41 કરોડ 18 લાખ 46 હજાર 401 એ પહોંચી ગયો છે.