(Source: ECI/ABP News/ABP Majha)
Corona: વિદેશ જનારા લોકો 9 મહિના પહેલા લઇ શકશે કોરોનાની રસીનો ત્રીજો ડોઝ, NTAGIએ કરી ભલામણ
NTAGI એ વિદેશ પ્રવાસ કરતા લોકોને નવ મહિનાના સામાન્ય અંતર કરતા પહેલા એન્ટી-કોવિડ-19 રસી લેવાની ભલામણ કરી છે
નવી દિલ્હીઃ NTAGI (નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઇઝેશન) એ વિદેશ પ્રવાસ કરતા લોકોને નવ મહિનાના સામાન્ય અંતર કરતા પહેલા એન્ટી-કોવિડ-19 રસી લેવાની ભલામણ કરી છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે જે દેશમાં વ્યક્તિ મુસાફરી કરી રહ્યો છે, જો પ્રિકૉશન ડોઝ લેવો ફરજિયાત છે, તો તે રસી લઇ શકશે. સૂત્રએ જણાવ્યું હતું કે બુધવારે આ મુદ્દા પર ચર્ચા દરમિયાન NTAGIએ આ સલાહ આપી હતી.
બે ડોઝનો સમય ઘટાડવાની સલાહ આપવામાં આવી નથી
NTAGI એ હજુ સુધી બધા માટે રસીના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેના વર્તમાન નવ મહિનાના સમયગાળાને છ મહિના સુધી ઘટાડવા અંગે કોઈ સલાહ આપી નથી. આગામી બેઠકોમાં આ મુદ્દે ચર્ચા થવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
બૂસ્ટર ડોઝ વહેલો આપવાની વાત
બૂસ્ટર ડોઝ આપવાનો વિચાર વહેલો કેમ આવ્યો? આ પણ જાણી લો. વાસ્તવમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને અન્ય ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ એ વાત પર સહમત થયા છે કે કોવિડના બંને ડોઝ લેવાથી બનેલી એન્ટિબોડી લગભગ છ મહિના પછી ગાયબ થઈ જાય છે. બૂસ્ટર ડોઝ લેવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
5 થી 12 વર્ષના બાળકોને રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી
બુધવારે મળેલી મીટિંગમાં NTAGI એ પણ ચર્ચા કરી કે 5-12 વર્ષના બાળકોને કોરોનાની રસી ક્યારથી આપવી જોઈએ. ભૂતકાળમાં બાળકોને કોરોના રસીના બે ડોઝની મંજૂરી આપવામા આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે 5-12 વર્ષના બાળકોને Corbevaxની રસી અને 6-12 વર્ષના બાળકોને કોવેક્સિનની રસી આપવામાં આવશે. DCGI એ તેમને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે.
10 એપ્રિલથી 18થી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ અપાઇ રહ્યો છે
ભારતમાં 10 જાન્યુઆરીથી, 60 વર્ષ અને તેથી વધુ વયના લોકોને પ્રથમ બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. હાલમાં આ વયના લોકો ખાનગી રસી કેન્દ્રો પર બુસ્ટર ડોઝ મેળવી રહ્યા છે.